કેન્દ્ર સરકાર રિટેલ ટ્રેડ પોલીસી લાવશે, વેપારીઓને ક્રિડિટ-લોન મેળવવામાં સરળતા રહેશે
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં રિટેલ ટ્રેડ પોલીસી લાવવાની યોજના બનાવી રહી છે, જેના દ્વારા મુખ્યત્વે ફિજીકલ સ્ટોર ધરાવતા છૂટક વેપારીઓ માટે વ્યવસાય કરવાનું સરળ બનશે. કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી હતી. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT)ના જોઈન્ટ સેક્રેટરી સંજીવે કહ્યું છે કે, આ રિટેલ ટ્રેડ પોલિસી દ્વારા વેપારીઓને વધુ સારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળશે અને વેપારીઓને વધુ ક્રેડિટ અથવા લોન મેળવવાનું સરળ બનશે.
જ્યાં એક તરફ સરકારની ફિઝિકલ સ્ટોર્સવાળા બિઝનેસમેન માટે રિટેલ ટ્રેડ પોલિસી લાવવાની યોજના છે તો બીજી તરફ કેન્દ્ર સરકાર તેની સાથે ઓનલાઈન રિટેલર્સ માટે ઈ-કોમર્સ પોલિસી લાવવા પર પણ કામ કરી રહી છે. FMCG અને ઈ-કોમર્સ પર એક પ્રેસ-કોન્ફરન્સમાં DPIIT સેક્રેટરી સંજીવે જણાવ્યું હતું કે સરકાર ઈ-કોમર્સ તેમજ છૂટક વેપારીઓ માટે આવી નીતિ લાવવાનો પ્રયાસ કરી રહી છે, જેથી બે સેગમેન્ટ વચ્ચે સુમેળ અને સંતુલન રહે. આ ઉપરાંત વિભાગ તમામ છૂટક વેપારીઓ માટે એવી વીમા યોજના લાવવાની પણ તૈયારી કરી રહ્યું છે, જે તેમના જીવનને સુરક્ષિત બનાવવામાં ઉપયોગી થઈ શકે. આ સાથે, એક અકસ્માત વીમા યોજના લાવવાની યોજના છે, જે દેશના નાના વેપારીઓ માટે ખાસ કરીને ફાયદાકારક બની શકે છે.
દેશમાં છેલ્લા કેટલાક સમયથી ઈ-કોમર્સનો વ્યાપ વધ્યો છે જેથી નાના વેપારીઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે, બીજી તરફ સરકાર નાના વેપારીઓની મુશ્કેલીઓ ઓછી થાય તે દિશામાં કામ કરી રહી છે.