મ્યાંમાર બોર્ડર પર કેન્દ્ર સરકારનું ફેન્સિંગ કરવાનું એલાન, સમાપ્ત થશે મુક્ત આવાગમન
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે ભારત-મ્યાંમાર સાથેની બોર્ડર પર ફેન્સિંગ લગાવવાનું એલાન કર્યું છે અને આ સિવાય મુક્ત આવાગમનને પણ રોકવાનો નિર્ણય કર્યો છે. આ ઘોષણા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કરી છે. એનડીટીવીના રિપોર્ટ પ્રમાણે, મ્યાંમારની સાથેની સીમા પર ફેન્સિંગ અને મુક્ત આવાગમન પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે પાડોશી દેશ મ્યાંમારના સૈનિકો જાતીય સંઘર્ષોથી બચવા માટે ભારતમાં આવીને શરણ લઈ રહ્યા છે. આ સિવાય મણિપુરની હાલની સ્થિતિને જોતા પણ સીમા પર નજર રાખવી જરૂરી છે.
મહત્વપૂર્ણ છે કે ગત ત્રણ માસમાં મ્યાંમાર સેનાના લગભગ 600 સૈનિકો ભારતમાં ઘૂસી આવ્યા છે. સરકારી સૂત્રોનું કહેવું છે કે પશ્ચિમી મ્યાંમારના રકાઈન પ્રાંતમાં એક જાતીય સશસ્ત્ર સમૂહ આરાકાન આર્મીના ઉગ્રવાદીઓ દ્વારા સૈનિકોની શિબિરો પર કબજો કરાયા બાદ તેમણે મિઝોરમના લાંગ્ટલાઈ જિલ્લામાં શરણ લીધું છે. તો મણિપુરની હાલની અશાંતિ પાછળ પણ મ્યાંમારના ઉગ્રવાદી સંગઠનોનો પણ હાથ હોવાનું જણાવાય રહ્યું છે.
એવું જણાવાય રહ્યું છે કે ગત દિવસોમાં મણિપુરમાં થયેલી હિંસા પાછળ મ્યાંમારના ઉગ્રવાદી જૂથોનો હાથ હોવાની શક્યતા છે. એક મોટો ખુલાસો કરતા મણિપુરના સુરક્ષા સલાહકાર કુલદીપસિંહે કહ્યુ છે કે બુધવારે મણિપુરના સીમાવર્તી શહેર મોરેહમાં ભડકેલી હિંસામાં મ્યાંમારના ઉગ્રવાદીઓના સામેલ હોવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે મણિપુરની રાજધાની ઈમ્ફાલથી લગભગ 110 કિલોમીટર દૂર ભડકેલી હિંસામાં બે કમાન્ડો શહીદ થઈ ગયા હતા.
આ સિવાય કુલદીપસિંહે ગુરુવારે પત્રકારોને કહ્યુ હતુ કે બુધવારે સવારે મોટી સંખ્યામાં કુકી ઉગ્રવાદીઓએ ત્રણ સ્થાનો પર કમાન્ડો ચોકીઓ પર ગોળીબાર શરૂ કર્યો હતો. એનડીટીવીના રિપોર્ટનું માનીએ, તો પોતાના નિવેદનમાં કુલદીપ સિંહે કહ્યુ છે કે મ્યાંમારના વિદ્રોહી સમૂહ પીપલ્સ ડિફન્સ ફોર્સ મોરેહમાં પોલીસ પર હુમલો કરી શકે છે. તેમણે કહ્યુ છે કે આ પ્રકારના હુમલા ઘણાં દિવસોથી થઈ રહ્યા છે. ગોળીઓનો અવાજ આસપાસના વિસ્તારોમાંથી નહીં, પરંતુ દૂરવર્તી ક્ષેત્રોમાંથી આવી રહ્યો છે.
તો પાડોશી દેશ મ્યાંમારમાં મચેલી બબાલની અસર ભારતીય સીમાઓ પર પણ દેખાય રહી છે. ગત દિવસોમાં મોટી સંખ્યામાં મ્યાંમારના સૈનિકો ભારતના પૂર્વોત્તર રાજ્ય મિઝોરમમાં ઘૂસ્યા છે. હાલની સ્થિતિને જોતા મિઝોરમના મુખ્યમંત્રી લાલદુહોમાએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની સાથે વાત કરી છે. રિપોર્ટ મુજબ, મિઝોરમે રાજ્યમાં શરણ લેનારા મ્યાંમારના સૈનિકોની તાત્કાલિક વાપસી પર ભાર મૂક્યો છે. શિલોંગમાં પૂર્વોત્તર પરિષદની બેઠકના પૂર્ણ સત્ર પહેલા મિઝોરમના મુખ્યમંત્રી લાલદુહોમાએ હાલની સ્થિતિની જાણકારી આપી.