નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ભારત-મ્યાનમાર સરહદ પર વધુ સારી રીતે દેખરેખ રાખવા માટે એક મોટી યોજના બનાવવાનો નિર્ણય કર્યો છે. ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકારે 1643 કિમી લાંબી ભારત-મ્યાનમાર સરહદ પર ફેન્સીંગ લગાવવાનો નિર્ણય લીધો છે. આ સિવાય સરકાર દેખરેખ વધારવા માટે બોર્ડર પેટ્રોલિંગ માટે ટ્રેક પણ બનાવશે.
કેન્દ્ર સરકારની આ યોજનાને દેશની સરહદોને અભેદ્ય બનાવવા માટે એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સારી દેખરેખ માટે ભારત-મ્યાનમાર સરહદ પર પેટ્રોલિંગ રૂટને વધુ મજબૂત બનાવવામાં આવશે.
સરહદની કુલ લંબાઈમાંથી, મણિપુરના મોરેહમાં 10 કિલોમીટરની વાડ પહેલેથી જ લગાવી દેવામાં આવી છે. આ ઉપરાંત હાઇબ્રિડ સર્વેલન્સ સિસ્ટમ (HSS) દ્વારા ફેન્સીંગના બે પાયલોટ પ્રોજેક્ટ પણ ચલાવવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત અરુણાચલ પ્રદેશ અને મણિપુરમાં દરેક કિલોમીટરના અંતરે ફેન્સીંગ કરવામાં આવી રહી છે. આ સિવાય મણિપુરમાં લગભગ 20 કિલોમીટર સુધી ફેન્સિંગ લગાવવાના કામને પણ મંજૂરી મળી ગઈ છે અને ટૂંક સમયમાં કામ શરૂ થશે.