ખેડૂત આંદોલન દરમિયાન નોંધાયેલા 86 કેસ પરત ખેંચવાનો કોન્દ્ર સરકારનો નિર્ણય
- રેલવે સુરક્ષા દળને કેસ પરત ખેંચવા સૂચના અપાઈ
- આંદોલનકારી ખેડૂતોને મળી મોટી રાહત
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ ઉગ્રઆંદોલન કર્યું હતું અને રાજધાની દિલ્હીના પ્રવેશ માર્ગો ઉપર પડાવ નાખ્યો હતો. આંદોલન દરમિયાન ખેડૂતોએ ઉગ્ર દેખાવ કર્યાં હતા. તેમજ અથડામણના બનાવો પણ પોલીસ ચોપડે નોંધાયાં હતા. જો કે, બાદમાં કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ કાયદા પરત ખેંચવામાં આવ્યું હતું. જેના પગલે આંદોલન સમેટાયું હતું. દરમિયાન કેન્દ્ર સરકારે ખેડૂતોના આંદોલન દરમિયાનના 86 કેસ પાછા ખેંચવા તૈયારી દર્શાવી છે.
રાજ્યસભામાં કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું કે, ગૃહ મંત્રાલયે આ કેસો પાછા ખેંચવા માટે સંમતિ આપી છે. રેલ્વે મંત્રાલયે ખેડૂતોના આંદોલન દરમિયાન રેલ્વે સુરક્ષા દળ દ્વારા નોંધાયેલા તમામ કેસો પાછા ખેંચવા માટે નિર્દેશો જારી કર્યા છે. ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ અંગે કૃષિમંત્રીએ માહિતી આપી કે સરકારે કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા અને લઘુતમ ભાવોને વધુ અસરકારક તથા પારદર્શક બનાવવા માટે આ વર્ષે જુલાઈમાં એક સમિતિની રચના કરી છે. આ સમિતિની બેઠકો નિયમિતરીતે યોજાઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રની મોદી સરકારે ખેડૂતોને પોતાના પાકના પુરતા નાણા મળી રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં ખેડૂતોને આર્થિક મદદ પણ પુરી પાડવામાં આવી રહી છે. આ ઉપરાંત પુરી વિજળી મળવાની સાથે સિંચાઈ માટે પાણી મળી રહે તેવા પ્રયાસો કેન્દ્ર સરકાર કરી રહી છે.