નવી દિલ્હીઃ ટામેટાના ભાવમાં ઘટાડાને પગલે ગૃહિણીઓએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ મોંઘવારીનો સામનો કરતી પ્રજાને રાહત મળી રહે તે માટે ડુંગળીના ભાવમાં વધારાની શકયતાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો અને પ્રજાના હિતોને ધ્યાનમાં રાખીને નાફેડ મારફતે રૂ. 25ના પ્રતિ કિલોના ભાવે ડુંગળીનું વેચાણ કરવાનો નિર્ણય લીધો છે.
ખાદ્ય અને પુરવઠા મંત્રી પીયૂષ ગોયલે કહ્યું છે કે, સરકાર ડુંગળીના ખેડૂતોના હિતોના રક્ષણ માટે તમામ જરૂરી પગલાં લઈ રહી છે. તેમણે કહ્યું કે, ઉપભોક્તાઓના હિતમાં ડુંગળીના વધતા ભાવને નીચે લાવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. ગોયલે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળીની ખરીદી કરવામાં આવી છે અને બે લાખ મેટ્રિક ટન વધુ ખરીદવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે, જો આગામી સમયમાં જરૂરિયાત વધશે તો વધારાની બે લાખ મેટ્રિક ટન ડુંગળીની ખરીદી કરવામાં આવશે. પીયૂષ ગોયલે જણાવ્યું કે, ડુંગળીની ખરીદી 2 હજાર ચાર સો 10 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે થઈ રહી છે. તેમણે ખેડૂતોને આ ભાવે ડુંગળી વેચવાની અપીલ કરી હતી.
ગોયલે કહ્યું કે, છૂટક ગ્રાહકોને 25 રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે ડુંગળી વેચવામાં આવી રહી છે. નેશનલ કન્ઝ્યુમર કોઓપરેટિવ ફેડરેશનના મોબાઈલ વાન અને રિટેલ આઉટલેટ્સ દ્વારા આ કિંમતે ડુંગળી વેચવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, સરકારના હસ્તક્ષેપથી પણ દેશમાં ટામેટાંના ભાવ નીચે લાવવામાં મદદ મળી છે.
ડુંગળીના ભાવને સ્થિર કરવા માટે કેન્દ્ર સરકારે બે લાખ મેટ્રિક ટન ડુંગળી ખરીદવાનો નિર્ણય કર્યો છે. એક ટ્વીટમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, મહારાષ્ટ્રના ડુંગળીના ખેડૂતોના લાભ માટે નાસિક અને અહમદનગરમાં વિશેષ ખરીદી કેન્દ્રો બનાવવામાં આવી રહ્યા છે. ફડણવીસે માહિતી આપી હતી કે, ડુંગળી 2,410 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદવામાં આવશે. તેમણે કહ્યું કે, આનાથી આપણા રાજ્યના ડુંગળીના ખેડૂતોને મોટી રાહત થશે.