મધ્ય ગુજરાત: અભયારણ્યોની મુલાકાત લેતા પ્રવાસીઓને મળશે વીમા કવચ
અમદાવાદઃ ગુજરાતમાં સાસણગીર અભયારણ્ય, જેસોર રીંછ અભયારણ સહિતના અભયારણ્યો આવેલા છે. જ્યાં દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. દરમિયાન મધ્ય ગુજરાતમાં પંચમહાલના જાંબુઘોડા વન્યજીવ અભયારણ્ય અને દાહોદના રતનમહાલ સ્લોથ રીંછના અભયારણ્યની મુલાકાત લેતી વખતે પ્રવાસીઓને વીમા કવચ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રેન્જ ફોરેસ્ટ ઓફિસર એચ.ડી. રાઉલના જણાવ્યા અનુસાર આ વીમો સરકાર દ્વારા નહીં પરંતુ ઈકો કેમ્પસાઈટ્સનું સંચાલન કરતી સ્થાનિક મંડળીઓ દ્વારા આપવામાં આવે છે. અનિચ્છનીય ઘટનાના કિસ્સામાં પ્રવાસીઓએ હવે પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢવાની જરૂર રહેશે નહીં. પાંચ ઈકો કેમ્પ સાઈટ્સ જાંબુઘોડા ખાતે ધનપરી, શિવરાજપુર ખાતે તરગાલ અને ભાટ, રતનમહાલ ખાતે નલઘા અને ઉદલ, મહુડામાં છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રવાસીઓની સંખ્યામાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ગયા વર્ષે કોરોનાને કારણે સંખ્યા ઓછી હતી, બાકી તો પાંચેય કેમ્પસાઈટ પર વર્ષમાં 25,000 પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે. એસોસિએશનો તેમના પોતાના ખિસ્સામાંથી વીમા કવચ પ્રદાન કરે છે.
જાંબુઘોડા ખાતે ઈકો કેમ્પસાઈટ ધનપરીના મેનેજિંગ એસો.ના પ્રમુખ પ્રદીપસિંહ રાણાએ જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ કે જેણે ગેટ પર એન્ટ્રી પાસ લીધો હશે અથવા ઈકો કેમ્પસાઈટ પર રાત્રી રોકાણ માટે ઓનલાઈન બુકિંગ કર્યું હશે તેને આની હેઠળ આવરી લેવાશે. આ વીમો કુદરતી આફત કે પ્રાણીના હુમલા તથા જંતુ કે સાપના કરડવાના કિસ્સામાં રક્ષણ આપે છે. એસોસિએશન માને છે કે, પ્રવાસીઓ પૈસા ખર્ચીને અહીં આવે છે તો તેમને પણ લાભ મળવો જોઈએ.