દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતા કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય સચિવોને પત્ર લખ્યો છે. તેમજ તમામ રાજ્યોને કોરોનાની પરિસ્થિતિ ઉપર નજર રાખવા તાકીદ કરાઈ છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, હાલની સ્થિતિમાં કોરોનાના કેસ સામે આવ્યાં છે. જેમાં 5થી 10 ટકા સક્રિય દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી છે. જેથી આપણે તૈયાર કરવાની જરૂર છે.
તેમણે રાજ્યોને ચેતવણી આપતા લખ્યું છે કે, પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે અને હોસ્પિટલમાં દાખલ થતા દર્દીની સ્થિતિ પણ બદલાઈ શકે છે. તેમણે તમામ રાજ્યોને કોરોનાની પરિસ્થિતિ ઉપર નજર રાખવા તાકીદ કરી છે. ભારતમાં હાલ કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો દોઢ લાખને વટાવી ગયો છે. દેશમાં અત્યાર સુધીમાં 3.57 કરોડથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં છે. જેમાં ઓમિક્રોનના કેસનો પણ સમાવેશ થાય છે. 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ચાર હજારથી વધારે ઓમિક્રોનના કેસ નોંધાયાં છે. જે પૈકી 1552 જેટલા દર્દીઓ સાજા થયાં છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધારે 1216 કેસ નોંધાયાં છે. આ ઉપરાંત રાજસ્થાન 529, દિલ્હીમાં 513, કર્ણાટકમાં 441, કેરલમાં 333 અને ગુજરાતમાં 236 કેસ આવ્યાં છે.