મહિલાઓ માટે સર્વાઈકલ કેન્સર છે મોતનો દરવાજો, મૉડલ પૂનમ પાંડેએ પણ ગુમાવ્યો જીવ
મુંબઈ: બોલીવુડની અભિનેત્રી અને વિવાદીત મોડલ રહેલી પૂનમ પાંડેના મોતના અહેવાલ આવી રહ્યા છે. પૂનમ પાંડેએ વર્લ્ડકપની જીત પર ઈન્ડિયન ક્રિકેટર્સ સામે ન્યૂડ થવાની ઓફર મૂકી હતી અને હંમેશા આવા સનસનાટીપૂર્ણ નિવેદનોને કારણે હંમેશા તે ચર્ચામાં રહેતી હતી. જણાવવામાં આવે છે કે પૂનમ પાંડે સર્વાઈકલ કેન્સરની સામે લડી રહી હતી અને આખરે તેણે દમ તોડયો છે.
મહત્વપૂર્ણ છે કે ગુરુવારે વચગાળાના બજેટમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે દેશભરમાં 9થી14 વર્ષની બાળકીઓને નિશુલ્ક સર્વાઈકલ કેન્સરની રસી લગાવવાની મોટી ઘોષણા કરી હતી. જેથી મહિલાઓને સર્વાઈકલ કેન્સરથી બચાવી શકાય. આવો જાણીએ, કેટલું ખતરનાક હોય છે સર્વાઈકલ કેન્સર?
સર્વાઈકલ કેન્સર ભારતમાં મહિલાઓને થનારું બીજું સૌથી ખતરનાક કેન્સર છે. તેના કારણે દર વર્ષે હજારો મહિલાઓના જીવ જાય છે. ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સરનો ભારતને લઈને આવેલો રિપોર્ટ જણાવે છે કે ભારતમાં દર વર્ષે લગભગ સવા લાખ મહિલાઓને સર્વાઈકલ કેન્સર ડિટેક્ટ થાય છે અને તેમાંથી દર વર્ષે લગભગ 74 હજાર મહિલાઓના જીવ જાય છે. આ આંકડો સર્વાકલ કેન્સર પીડિત મહિલાઓના લગભગ 62 ટકા જેટલો છે. તેવામાં આ બીજું સૌથી વધુ પ્રભાવિત કરનારું અને પહેલું સૌથી વધુ મૃત્યુદર ધરાવતું કેન્સર છે.
પીજીઆઈ ચંદીગઢ અને લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજમાં બે દશકથી વધુ સમય સુધી પ્રોફેસર રહેલા જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડૉ. શારદા જૈને કહ્યું છે કે સર્વાઈકલ કેન્સર એચપીવી એટલે કે હ્યુમન પેપિલોમા વાયરસને કારણે થાય છે. એચપીવી શરીમાં પ્રવેશ કરીને ગર્ભાશયના આંતરીક હિસ્સાને ચેપગ્રસ્ત કરે છે અને કોઈપણ લક્ષણ પ્રગટ કર્યા વગર તે વિસ્તરે છે અને કેન્સરનું રૂપ લઈ લે છે. જો કે 70 ટકા મહિલાઓમાં તે 30 વર્ષની વય સુધીમાં ડાયગ્નોસ થઈ જાય છે.