- ચ-2થી ચ-3 માર્ગ એક મહિનો બંધ રહેશે,
- વાહનચાલકોને વેકલ્પિત માર્ગનો ઉપયોગ કરવા અપીલ,
- ડાયવર્ઝન સ્થળે ટ્રાફિક જવાનોને તૈનાત કરાયા
ગાંધીનગર : અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. જ્યારે ગાંધીનગરમાં હાલ મેટ્રો રેલની કામગીરી ચાલી રહી છે ત્યારે શહેરના ચ-3 જંકશન ઉપર મેટ્રો રેલના બની રહેલા વળાંકને કારણે ચ-2થી ચ-3 તરફનો રોડ એક મહિના માટે બંધ કરવામાં આવ્યો છે. જેના પગલે આ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે.
ગાંધીનગર શહેરમાં હાલ મેટ્રો રેલનું કામ ખૂબ જ ઝડપી ચાલી રહ્યું છે. સેક્ટર-2 સુધી તો મેટ્રોની તમામ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ હવે બાકી રહેલા આગળના રૂટની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે શહેરના મુખ્ય એવા ચ માર્ગ ઉપર મેટ્રો રેલનો વળાંક બની રહ્યો છે જે માટે છ ચ-3 જંકશન અને એક મહિના માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે ચો ચ-2થી ચ-3 સુધી અને ચ-3થી ચ-2 સુધીનો માર્ગ આગામી 17મી સપ્ટેમ્બર સુધી બંધ રાખવા વહીવટી તંત્ર દ્વારા વિધિવત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ તરફથી આવતા વાહન ચાલકોને સચિવાલય વિધાનસભા તરફ જવા માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. જેમાં સેક્ટર 7-8ના કટથી સેક્ટર 7માં પ્રવેશ કરીને ઘ- માર્ગ પકડવાનો રહેશે જ્યારે સચિવાલય તરફથી આવતા વાહનોને સેક્ટર 11 માં થઈને ગ માર્ક પકડવાનો રહેશે આ ઉપરાંત જ માર્ગનો પણ કર્મચારીઓ દ્વારા ઉપયોગ કરી કરી શકાશે. બીજી બાજુ જ્યાં જ્યાં ડાયવર્ઝન આપવામાં આવ્યા છે ત્યાં ટ્રાફિક માર્શલ ઊભા રાખવા માટે પણ વહીવટી તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે.