અગ્રણ્ય ઉત્પાદક કંપની ‘ફોકસકોન’ના ચેરમેને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજી
અમદાવાદઃ ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની વિશ્વની અગ્રગણ્ય ઉત્પાદક કંપની ‘ફોકસકોન’ના ચેરમેન શ્રીયુત યંગ લિયુએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત બેઠક યોજી હતી. ગુજરાતને આંગણે યોજાઇ રહેલી સેમીકોન ઇન્ડિયા ૨૦૨૩માં સહભાગી થવા આવેલા ફોકસકોનના ચેરમેન પ્રથમવાર ગુજરાત આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ મુલાકાત બેઠક દરમિયાન તેમણે ભારતમાં તેમની કંપનીના ઉત્પાદન પ્લાન્ટની સ્થાપના માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમને ગુજરાતે જાહેર કરેલી ‘સેમી કન્ડક્ટર પોલીસી 2022-27’ માં મળતા લાભો અને અન્ય પ્રોત્સાહનોની વિગતો બેઠક દરમિયાન આપી હતી. ગુજરાત દેશનું સેમિકન્ડક્ટર હબ બનવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં સજ્જ છે એમ પણ તેમણે જણાવ્યું હતું. ફોક્સકોનના ચેરમેને ગુજરાત તેમના સંભવિત રોકાણોમાં અગ્રસ્થાને રહેશે તેમ આ તકે જણાવ્યું હતું. મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાશનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ જોશી અને સાયન્સ ટેકનોલોજી સચિવ વિજય નેહરા આ બેઠકમાં જોડાયા હતા.
દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાતના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે ઇન્ડિયન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સેમીકન્ડક્ટર એસોસિએશન IESA સાથે ગાંધીનગરમાં MOU સંપન્ન કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રમોદીની પ્રેરણાથી ગાંધીનગરમાં યોજાઈ રહેલી સેમીકોન ઇન્ડિયા-2023 ત્રિદિવસીય કોન્ફરન્સમાં ભાગ લઈ રહેલા અગ્રણી ઉદ્યોગ જૂથોને ગુજરાતમાં ભવિષ્યમાં તેમના એકમોની સ્થાપના માટે IESA સહાયક બની રહે તેવા હેતુથી આ MOU થયેલા છે.
ગુજરાતને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ એન્ડ ડિઝાઈનનું નેશનલ હબ બનાવવા સાથે સેમીકન્ડક્ટર સેક્ટર માટે એક આખી વાઈબ્રન્ટ ઇકોસિસ્ટમ રાજ્યમાં ઉભી કરવામાં IESA રાજ્ય સરકારના ધી ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન GSEMને ગાઈડન્સ એન્ડ સપોર્ટ પૂરાં પાડશે. એટલું જ નહીં, ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન અને ઇન્વેસ્ટર્સ આઉટરિચ માટે પણ GSEMને IESA માર્ગદર્શન આપશે.