Site icon Revoi.in

મંજુર થયેલા રોડનું કામ બે વર્ષથી શરૂ ન થતાં અમરેલી-બાબરા રોડ પર ચક્કાજામ, ધારાસભ્યની અટકાયત

Social Share

અમરેલીઃ અમરેલી હાઈવેથી ગોંડલ રોડને જોડતો રસ્તો બે વર્ષથી મંજુર થયો હોવા છતાં હજુ કામ શરૂ કરાયું નથી. આ અંગે કોંગ્રેસના ધારાસભ્યએ સરકારમાં વારંવાર રજુઆત કરવા છતાં રસ્તાનું કામ શરૂ ન થતાં ધારાસભ્ય વિરજી ઠુમ્મર અને કોંગ્રેસના કાર્યકરો તેમજ ગ્રામજનોએ અમરેલી-બાબરા હાઈવે ચક્કાજામ કર્યો હતો. આ મામલે વીરજી ઠુમ્મર અને તેના કાર્યકર્તાઓની બાબરા પોલીસે અટકાયત કરી હતી.

કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે આક્ષેપ કર્યો હતો  કે,  અમરેલી – ગોંડલ રોડ બે વર્ષ પહેલા મંજૂર થયો હતો. આસપાસના ગામના લોકો અને સરપંચ દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા રસ્તાનું કામ શરૂ કરવામાં આવતું નથી. જેના પગલે મોટી સંખ્યામાં લોકો હાજર રહી હાઈવેને ચક્કાજામ કર્યો હતો. ચક્કાજામના પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ધારાસભ્ય વીરજી ઠુમ્મરે ચિમકી ઉચ્ચારી છે કે, જો રસ્તાઓનું કામ વહેલી તકે શરૂ કરવામાં નહીં આવે તો આમરણાંત ઉપવાસ પર ઉતરશે.

ધારાસભ્ય ઠુમ્મરે જણાવ્યું હતું કે, અમરેલી હાઇવેથી ગોંડલ રોડ ને જોડતો માર્ગ બે વર્ષ પહેલાં મંજૂર થયો હોવા છતાં કામ શરૂ ન કરતાં હાઇવે પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જેમાં ભીલડીથી ચમારડી જતો માર્ગ બે વર્ષથી બિસ્માર હાલતમાં છે. આ મામલે અવારનવાર રજુઆત કરવામાં આવી છે. આ માર્ગ વચ્ચે આવતાં તમામ ગામનાં સરપંચ અને જીલ્લા પંચાયતનાં સભ્યો દ્વારા અનેકવાર આ મામલે રજૂઆત કરવામાં આવી છે. આમ છતાં તંત્ર દ્વારા રોડનું કામકાજ શરૂ કરવામાં આવ્યું નથી.