વિમાનની ડોમેસ્ટિક મુસાફરીમાં RT PCR ના બદલે વેક્સિન સર્ટી. માન્ય રાખવા વેપારી મહામંડળની માગ
અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ત્યારે ડોમેસ્ટીક વિમાનમાં મુસાફરી કરતા મુસાફરોને આરટી પીસીઆરના બદલે વેક્સિન સર્ટીને માન્ય રાખવા ગુજરાત વેપારી મહામંડળે કેન્દ્ર સરકારને રજુઆત કરી છે.ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા દેશના ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખી ડોમેસ્ટિક ટ્રાવેલ માટે આરટીપીસીઆર ટેસ્ટ દુર કરી વેક્સિનને સર્ટીને માન્ય રાખવા માટે વિનંતી કરવામાં આવી છે. જીસીસીઆઇને ઉદ્યોગ જગત અને અન્ય વર્તુળોમાંથી એરપોર્ટના પ્રોટોકોલની અનેક ફરિયાદ મળી હતી.
દેશના અલગ અલગ રાજ્યના કોવિડના પ્રોટોકોલ પ્રમાણે દરેક રાજ્યના એરપોર્ટ પર અલગ અલગ નિયમો લાગુ પડે છે. એર ટ્રાવેલ કરતા મુસાફરોએ અગાઉથી માહિતિ લેવી પડે છે કે તેઓ જે એરપોર્ટ પર ઉતરવાના છે ત્યાં આરટીપીસીઆર ટેસ્ટ, રેપીડ ટેસ્ટ કે પછી વેક્સીન સર્ટીની જરૂર છે. દેશમાં મોટા પ્રમાણમાં વેક્સિનેશન ચાલી રહ્યુ છે ત્યારે જે લોકોએ વેક્સિનના બે ડોઝી લીધા હોય તેમની માટે આરટીપીસીઆર ફરજીયાત ન હોવુ જોઇએ. આરટીપીસીઆર ટેસ્ટના ભાવ અલગ અલગ રાજ્ય પ્રમાણે જુદા જુદા છે. વળી ટેસ્ટ મોંઘા છે અને જો આ ટેસ્ટ ફરજીયાત હોય તો મોટા પાયે ચાલી રહેલા વેક્સિનેશનનો કોઇ અર્થ નથી. જો કેન્દ્રીય ગૃહમંત્રાલય વેક્સિનેશનના સર્ટીને એર ટ્રાવેલ માટે મંજુરી આપશે તો લોકોને રસી લેવા માટે પ્રોત્સાહન મળશે. લાંબ સમયથી પ્રવાસન ઉદ્યોગ મરણ પથારીએ પડેલો છે જેને ફરી વેગ મળશે. ઘણી વાર ઇમરજન્સી ટ્રાવેલમાં આરટીપીસીઆર ટેસ્ટની પળોજણમાં મુસાફરી રદ કરવી પડે છે. આવી સ્થિતિ ન સર્જાય માટે ડોમેસ્ટિક ટ્રાવેલમાં આરટીપીસીઆર રદ કરી વેક્સીન સર્ટીને મંજુરી આપવી જોઇએ.