રાજકોટઃ શહેરથી 25 કિલોમીટર દુર હીરાસર ગામ પાસે ગ્રીનફિલ્ડ એરપોર્ટનું કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. અને તાજેતરમાં વડાપ્રધાનના હસ્તે આ એરપોર્ટનું તાજેતરમાં લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. હવે રાજકોટ શહેરની મધ્યમાં આવેલી એરપોર્ટને હીરાસર ખાતેના એરપોર્ટમાં ખસેડવામાં આવી રહ્યું છે. જે અઠવાડિયામાં કામગીરી પૂર્ણ થયા બાદ જુનુ એરપોર્ટ બંધ કરી દેવામાં આવશે. એટલે શહેરીજનોને ડોમેસ્ટીક ફ્લાઈટ માટે પણ શહેરના ભરચક ટ્રાફિકનો સામને કરીને 25 કિ.મી દુર શહેરની ભાગોળે જવું પડશે. તંત્ર દ્વારા હીરાસર એરપોર્ટ જવા-આવવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની કોઈ સુવિધા ઉપલભ્ધ કરવામાં આવી નથી. ત્યારે રાજકોટ ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવાની માગણી કરવામાં આવી હતી.
રાજકોટને આંતરરાષ્ટ્રીય હિરાસર એરપોર્ટ મળ્યું છે. આ એરપોર્ટ પરથી પહેલા ડોમેસ્ટિક અને ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થશે, પરંતુ એરપોર્ટ સુધી પહોંચવા માટે 25 કિમી સુધીની ટ્રાફિકથી ભરચક રોડ મારફતે મુસાફરી કરવી પડશે. રાજકોટ શહેરથી એરપોર્ટ સુધી પહોંચવા માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધા શરૂ નથી. હવે 10 દિવસ બાદ હિરાસર એરપોર્ટ પરથી ફ્લાઈટનું ઉડ્ડયન શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા શરૂ કરવા માટે ચેમ્બર ઓફ કોમર્સે માગણી કરી છે.
આ અંગે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એવી રજુઆત કરવામાં આવી છે. કે, એરપોર્ટ સુધી પહોંચવા માટેનુ જે અંતર છે તે વધારે છે. જેને કારણે ત્યાં આવવા-જવામાં મુશ્કેલી પડશે. તેમજ ટેક્સી ભાડું રૂ.1500 કે તેથી વધારે જાહેર કરવામાં આવ્યું છે, જે ઉંચું છે. એરપોર્ટ સુધી પહોંચવા માટે બેંગ્લોર અને પુનામાં ટ્રાન્સપોર્ટેશન માટેની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. રાજકોટ શહેરમાં પણ આ જ સિસ્ટમ લાગુ કરવી જોઈએ. જો ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા શરૂ કરવામાં આવે તો શહેરની મધ્યમાં 150 ફૂટ રિંગ રોડ, રેસકોર્સ, ભક્તિનગર સર્કલ, ગ્રીનલેન્ડ ચોકડી ખાતે પોઈન્ટ નક્કી કરવા જોઈએ. જો ટ્રાન્સપોર્ટેશન સુવિધા શરૂ કરવામાં આવે તો મુશ્કેલી પણ ઓછી થશે. સુવિધામાં વધારો થશે. આ ઉપરાંત બન્ને બાજુ ઓવરબ્રિજ પણ વહેલી તકે બનાવવો જોઈએ. જેથી ટ્રાફિકમાંથી મુક્તિ મળી શકે તેમ છે.