Site icon Revoi.in

ચોટિલામાં ચામુંડા માતાજીના મંદિરમાં બીજા નોરતે શ્રદ્ધાળુઓની ભીડ જામી

Social Share

સુરેન્દ્રનગરઃ સનાતન ધર્મમાં નવરાત્રિના પર્વનું વિશેષ મહાત્મ્ય છે,  નવરાત્રિ દરમિયાન ભાવિકો માતાજીની ભક્તિમાં લીન બને છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે પણ નવરાત્રિના બીજા નોરતે સવારથી માઈ ભક્તોની ભીડ ઊમટી પડી હતી. સવારથી સાંજ સુધી હજારોની સંખ્યામાં ભક્તોએ ચામુંડા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આમ ગઈકાલની જેમ આજે બીજા નોરતે પણ દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી.

નવરાત્રિ પર્વ નિમિત્તે ગુજરાતના પાવાગઢ, અંબાજી સહિતના આદ્યશક્તિના ધામોમાં ભક્તોનો ધસારો વધી જાય છે. ત્યારે ચોટીલામાં ચામુંડા માતાજી ધામે આજે બીજા નોરતે સવારથી સાંજ સુધીમાં મોટી સંખ્યામાં ભક્તોએ માતાના ચરણોમાં શિષ ઝુકાવ્યું હતું. ચોટીલા ખાતે બિરાજમાન ચામુંડા માતાજીના દર્શનનું વિશેષ મહત્ત્વ છે અને પુનમ સહિત બારે મહિના મોટી સંખ્યામાં ભક્તો માતાના દર્શને ઊમટી પડે છે.  ચોટીલા મંદિર ડુંગર ટ્રસ્ટ દ્વારા નવરાત્રીમાં ભક્તોના ધસારાને ધ્યાને લઈ દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રીજી ઓક્ટોબરથી પગથિયાના દ્વાર વહેલી પરોઢના 4:30  વાગ્યે ખોલવામાં આવી રહ્યા છે. જો કે અગાઉથી જ ભક્તો રાતથી ચામુંડા માતાજીના ડુંગર નીચેના પટાંગણમાં આવી પહોંચે છે. પગથિયાના દ્વારા ખુલતા જ ડુંગર પર બીરાજમાન ચામુંડા માતાજીના દર્શન કરવા ડુંગર ચઢવા લાગ્યા હતા. સવારની આરતીના સમયમાં પણ ફેરફાર કરીને નવરાત્રિ દરમિયાન 5:00 વાગ્યાનો કરવામાં આવ્યો છે. ત્યારે ભક્તોએ ચામુંડા માતાજીની આરતીનો પણ લાભ લીધો હતો.

સુરેન્દ્રનગર જિલ્લા સહિત આસપાસાના અમદાવાદ, રાજકોટ, મહેસાણા, બનાસકાંઠા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાંથી તેમજ બહારના રાજ્યમાંથી પણ ભક્તો ચામુંડા માતાજીના દર્શન કરવા ઊમટી પડયા હતા. ઉપરાંત પદયાત્રીઓ પગપાળા સંઘમાં માતાજીની ધ્વજા અને વાજતે ગાજતે દર્શનાથે આવી પહોંચ્યા હતા. ત્યારે સમગ્ર માહોલ ભક્તિમય બન્યો હતો. નવરાત્રિની ભીડને ધ્યાને લઈ ચોટીલા પોલીસ ટીમ દ્વારા પણ તળેટી વિસ્તારથી લઈ ડુંગર સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નવરાત્રિના નવ દિવસ દરમિયાન ચામુંડા માતાજીને વિશેષ શણગાર પણ કરવામા આવે છે.