સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં નર્મદાની સિંચાઈનો લાભ મળતો થયા બાદ ચણાના ઉત્પાદમાં પણ વધારો થયો છે. જેમાં લખતર તાલુકામાં ચણાનું મબલખ ઉત્પાદ થયું છે. લખતર માર્કેટિંગ યાર્ડમાં ચણાની આવક દિવસેને દિવસે મોટાપાયે વધી રહી છે. ત્યારે હાલમાં યાર્ડમાં ચણા ભરેલા ટ્રેક્ટરોની કતાર જોવા મળી રહી છે. છેલ્લા 5 દિવસમાં 3 લાખ કિલો એટલે કે 15 હજાર મણ ચણાની આવક થઇ હોવાની તેમજ આગામી સમયમાં તાત્કાલિક બારદાન નહીં આવે તો ખરીદીમાં બ્રેક લાગી શકે છે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
લખતર માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી ગુજકોમાસોલ દ્વારા કરવામાં આવી રહી છે. આ ખરીદી શરૂ થયાને હજી એકાદ મહિનો પણ પૂર્ણ થયો નથી. ત્યારે ચણાની ધૂમ આવક થઇ રહી છે. ચણાની ખરીદી ગુજકોમાસોલ દ્વારા રૂ.1067નાં ટેકાનાં ભાવે કરવામાં આવી રહી છે. આ ખરીદી માટે કુલ 500નું રજિસ્ટ્રેશન થયું છે. તેમાં 205 ખેડૂતો પાસેથી અત્યાર સુધીમાં ખરીદી કરવામાં આવી છે. 205 ખેડૂતો પાસેથી કુલ 25625 મણ ચણા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. છેલ્લા એક સપ્તાહમાં 5 લાખ કિલોથી વધુ ચણાની ખરીદી થતાં છેલ્લા 5 દિવસમાં 3 લાખ કિલો કરતા વધુ ચણાની ખરીદી થતાં લખતર યાર્ડમાં ચણાની આવકમાં દિવસેને દિવસે નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. બીજી તરફ હાલમાં ચણા માટેનાં બારદાન(કોથળા) ખૂટી પડ્યા છે.. ત્યારે આગામી સમયમાં તાત્કાલિક બારદાન નહીં આવે તો ખરીદીમાં બ્રેક લાગી શકે છે. જો કે ગુજકોમાસોલ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.