અમદાવાદઃ ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચી ગયું છે. અને એપ્રિલના અંત સુધીમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે. કે. આગામી ત્રણ દિવસ કચ્છમાં તાપમાનમાં વધારો થશે. કેટલાક વિસ્તારોમાં હીટવેવની શક્યતા છે. જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે 13મીથી 15 એપ્રિલ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના હળવા ઝાપટાં પડવાની પણ શક્યતા છે.
રાજ્યના હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, આગામી ચાર દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે. તેમજ કચ્છમાં કેટલાક ભાગમાં આગામી ત્રણ દિવસ દરમિયાન હિટવેવની શક્યતાઓ છે. જ્યારે રાજ્યના ક્ચ્છ સિવાય બાકીના વિસ્તારોમાં તાપમાન યથાવત્ રહેવાની શક્યતાઓ છે. તેમજ આગામી 13થી 15 એપ્રિલ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત કમોસમી વરસાદના છુટા-છવાયા હળવા ઝાપટાં પડવાની શક્યતા છે. જેમાં 13 એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને સુરતમાં હળવા ઝાપટાં પડી શકે છે. તારીખ 14 અને 15 એપ્રિલે છોટાઉદેપુર, દાહોદ, નર્મદા અને ગીર સોમનાથમાં હળવા વરસાદની શક્યતા છે. આ સાથે જ પવનની દિશા બદલાતા ઉત્તર પશ્ચિમ અને ઉત્તર દિશા તરફથી ગુજરાત પર પવનોની ગતિ હોવાથી દરિયાકાંઠાના વિસ્તારમાં અકળામણનો અનુભવ થશે.
હવામાન વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતુ કે, રાજ્યમાં 13મી એપ્રિલથી ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે. હાલ સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન વધી રહ્યું છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરનું મહત્તમ તાપમાન 39.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સાથે જ કચ્છના ભૂજમાં 41.7 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યભરમાં સૌથી મહત્તમ તાપમાન નોંધાયું હતું.(File photo)