Site icon Revoi.in

કુલપતિ-રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ફરી ગુજરાત વિદ્યાપીઠની ઓચિંતી મુલાકાત લીધી

Social Share

અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ફરી આજે ગુજરાત વિદ્યાપીઠ પરિસરની ઓચિંતી મુલાકાત લીધી હતી. ‘સ્વચ્છતા અભિયાન’ પછી વર્તમાન સ્થિતિની જાણકારી મેળવવા તેમણે છાત્રાલય અને શૈક્ષણિક ભવનોના ધાબા-અગાશીઓ જોઈ હતી. અગાશીઓમાં કાટમાળ, કૂડો-કચરો, બિનજરૂરી માલસામાન અને ભંગાર હાલતમાં બંધ પડેલી સોલાર પેનલ્સ જોઈને તેવો અત્યંત વ્યથિત થયા હતા. તેમણે તત્કાળ સ્વચ્છતા માટે સૂચના આપી હતી.

આચાર્ય દેવવ્રતજી એ કહ્યું હતું કે, ‘પૂજ્ય મહાત્મા ગાંધીજીએ ઉચ્ચ આદર્શો સાથે જેની સ્થાપના કરી એ પરિસરની પરિસ્થિતિ જો પૂજ્ય ગાંધીજી આજે જુએ તો કલ્પના કરો કે એ શું ટીપણી કરે ? પ્રાકૃતિક દ્રષ્ટિએ આટલા સુંદર પરિસરમાં હું વિચારો અને વ્યવહારમાં ઘર કરી ગયેલી આળસની ગંદકી જોઈ રહ્યો છું.’

વિધાપીઠ પરિસરમાં લખેલા એક સુવાક્ય- “જૂઠ બોલને વાલોં કો ન મિત્ર મિલતા હૈ, ન પુણ્ય, ન યશ” વાંચીને આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, સૌએ પોતાની માનસિકતા બદલવી પડશે. દર મહિને ધાબાઓની પણ વ્યવસ્થિત સફાઈ કરવા અને સમગ્ર પરિસરમાં સ્વચ્છતા જાળવવા તેમણે સુચનાઓ આપી હતી.

આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, હું અહીં આ જ રીતે વારંવાર આવતો રહીશ. સ્વચ્છતા અને વ્યવસ્થા જોતો રહીશ. પૂજ્ય ગાંધીજીના આદર્શો પર રચાયેલી આ સંસ્થા જોવા દુનિયાભરમાંથી લોકો આવે એવા પ્રયત્નો કરવાની આવશ્યકતા પર તેમણે ભાર મૂક્યો હતો.

આચાર્ય દેવવ્રતજીએ છાત્રાલયના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો અને તેમની જરૂરિયાતો-પ્રશ્નો વિશે પૃચ્છા કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને વ્યસનોથી દૂર રહેવા અને રમતગમત તથા વ્યાયામ માટે સમય ફાળવવા સૂચન કર્યું હતું. વિદ્યાર્થીઓએ પણ કુલપતિ-રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે પેટ છૂટી વાતો કરી હતી.