Site icon Revoi.in

ભાદરવાના પ્રથમ સપ્તાહમાં સારો વરસાદ પડવાની શક્યતા, વધુ એક સિસ્ટમ સક્રિય બનવાના યોગ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં જુન-જુલાઈ દરમિયાન એકંદરે સારોએવો વરસાદ પડ્યો હતો. ત્યારબાદ ઓગસ્ટ મહિનો સાવ કોરો ગયો અને સપ્ટેમ્બરના પ્રથમ 13 દિવસમાં માત્ર કેટલાક વિસ્તારોમાં વરસાદના છૂટાછવાયા સામાન્ય ઝાપટાં પડ્યા છે. ખરીફ પાકને વરસાદની ખાસ જરૂર છે. ત્યારે જ મેઘરાજા રિસાણા છે. હાલ શ્રાવણ મહિનો પુરો થઈને શનિવારથી ભાદરવો મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ત્રણ દિવસ બાદ વરસાદના  સારા યોગ સર્જાય રહ્યા છે. એટલે કે તા. 16થી 22 સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ  છેલ્લા ત્રણ દિવસથી બંગાળની ખાડીમાં અસ્થિરતા સર્જાવવાનું ચાલુ થયું છે. આ અસ્થિરતા યોગ્ય હવામાન મળવાને કારણે લો પ્રેશરમાં પરિવર્તિત થશે. જે ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે. આ લો પ્રેશર 16મી સપ્ટેમ્બરની આસપાસ મધ્ય પ્રદેશ પર આવશે અને એક મજબૂત ટ્રફ બનશે. આ લો પ્રેશરને કારણે, બહોળો શિયર ઝોન સર્જાશે. જેના કારણે 16થી 22 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં સારા વરસાદો થાય તેવી શક્યતા છે. આ ઉપરાંતના ભાગોમાં પણ સામાન્યથી મધ્યમ વર્ગનો વરસાદ જોવા મળશે. 22મી સપ્ટેમ્બર પછી પણ વરસાદ પડશે. જેનાથી ચોમાસું પાકને જે પાણીની જરૂર છે તે તો પૂરી થશે.

ગુજરાત પર લો પ્રેશરની સિસ્ટમ બનતી હોવાથી હવામાન વિભાગે તા.16મીથી પાંચ દિવસ સામાન્યથી મધ્યમ અને ભારે વરસાદની આગાહી કરી છે. 3 દિવસ બાદ એટલે કે 16 અને 17 સપ્ટેમ્બર એમ બે દિવસ ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર-હેવલીમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે. બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ-નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર-હેવલીમાં આજે ગુરૂવારે વરસાદની આગાહી છે. 16 સપ્ટેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં વરસાદની સંભાવના છે. આવી જ રીતે 17 સપ્ટેમ્બરે આ જ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જ્યારે આજે અમદાવાદમાં સામાન્ય વરસાદની સંભાવના છે.ચોથા અને પાંચમાં દિવસની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર-હેવલીમાં ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો આગામી 4 દિવસ દરમિયાન સામાન્ય વરસાદની સંભાવના છે, જેમાં ગીર સોમનાથ, કચ્છનો સમાવેશ થાય છે. ત્રીજા દિવસે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવનો સમાવેશ થાય છે. ચોથા દિવસે પોરબંદર, અમરેલી, બોટાદ, ભાવનગરમાં સામાન્ય વરસાદની સંભાવના છે.