Site icon Revoi.in

ચાંદીપુરા વાયરસના કેસની સંખ્યા 31 પહોંચી, વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 19નો થયો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ વકરી રહ્યો છે. ખાસ કરીને નાના બાળકો આ વાયરસનો ભોગ બની રહ્યા છે. આજે ગુરૂવારે રાજકોટમાં 3 અને પંચમહાલ જિલ્લામાં 1 બાળકનું મોત થતા રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા વધીને 31 થઈ છે. મૃત્યુઆંક વધીને 19 થયો છે. અત્યાર સુધી આ વાઇરસની અસર ગ્રામીણ વિસ્તારમાં જોવા મળ‌તી હતી પણ હવે અમદાવાદ જેવા મોટા શહેરોમાં પણ જોવા મળી રહી છે. આ વારરસને લીધે આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે.

રાજ્યમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા છે. રાજકોટમાં જ 5 શંકાસ્પદ દર્દીના મોત થઈ ગયા છે. જેમાં મોરબીના રાશિ પ્રદીપ સાહરીયાને 12 જુલાઈએ રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. જેનું 14 જુલાઈએ મોત થઈ ગયું છે. પડધરીના હડમતીયાનો 2 વર્ષીય પ્રદીપ ગોવિંદભાઈ રાઠોડને 9 જુલાઈએ દાખલ કરવામાં આવ્યો હતો અને તેનું 15 જુલાઈએ મોત થઈ ગયું છે. જેતપુરના પેઢીયા ગામનો 8 વર્ષના કાળુ ચંપુલાલને 15 જુલાઈએ દાખલ કરવામાં આવ્યો અને તેનું એ જ દિવસે મોત થઈ ગયું હતું. તેમજ મધ્યપ્રદેશના 13 વર્ષીય સુજાકુમાર ધનકને 16 જુલાઈ દાખલ કરવામાં આવ્યો અને તેનું એ જ દિવસે મોત થઈ ગયું હતું. જ્યારે 3 વર્ષીય રિતિક રાજારામ મુખીયા 14-7-2024ના રોજ દાખલ થયો હતો અને 17 જુલાઈના રોજ તેનું મોત થઈ ગયું હતું.

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ સતત માથું ઉંચકી રહ્યો છે. સામાન્ય રીતે 14 વર્ષની ઉમર સુધીના બાળકોને થતા ચાંદીપુરાના કુલ શંકાસ્પદ કેસનો આંક આજે વધીને 31 થઈ ગયો છે. રાજ્યમાં છેલ્લા 5 દિવસમાં ચાંદીપુરાથી મૃત્યુઆંક વધીને 19 થઈ ગયો છે. 19 મૃતકોમાંથી 18 ગુજરાતના છે અને 1 દર્દી રાજસ્થાનના ઉદયપુરનો છે. ચાંદીપુરના વધતા કેસને પગલે આરોગ્ય વિભાગ સક્રિય બન્યુ છે.

અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં હાલ ચાંદીપુરાથી સંક્રમિત 3 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. સારવાર લઈ રહેલા આબાળ દર્દીઓમાંથી બે દર્દીની હાલત સ્થિર છે જ્યારે 1 વેન્ટિલેટર પર છે. અન્ય 1 દર્દીનું સ્વાસ્થ્ય સામાન્ય હતું અને તેને ડિસ્ચાર્જ અગેઈન્સ્ટ મેડિકલ એડવાઈઝ અપાઈ છે. સારવાર લઈ રહેલા બાળકોમાં ચાંદલોડિયા અને આંબાવાડી વિસ્તારના બાળકોનો સમાવેશ થાય છે. અમદાવાદની સિવિલમાં મહેસાણાના 1 વર્ષીય અને દહેગામના 7 વર્ષીય બાળકનું મોત થયું હતું. સિવિલમાં સારવાર લઇ રહેલા બાળકોના સેમ્પલ પૂણે ખાતે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના વરેઠા ગામના એક વર્ષના બાળકની તબિયત લથડતાં તેને વડનગર સિવિલમાં લવાયું હતું, જ્યાં તેને વેન્ટિલેટર સાથે આઈસીયુની જરૂર હોવાથી તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ માટે રિફર કરાયું હતું. દહેગામ તાલુકાના અમરાજીના મુવાડા ગામની સાત વર્ષના એક બાળકને તાવ, ખેંચ સાથે મગજના તાવની અસર જોવા મળી હતી. જેને સારવાર માટે અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યું હતું. પરંતુ બુધવારે મોડી સાંજે સારવાર દરમિયાન મોત થયું હતુ.

બાળકોના મોતને પગલે આરોગ્ય તંત્ર દ્વારા તાલુકા વિસ્તારના બાળ રોગ નિષ્ણાંતોને ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ બાળ દર્દીઓ મળી આવે તો તાકીદે જાણ કરવાની સૂચના પણ આપી દેવાઈ છે. આ ઉપરાંત તકેદારી પણ વધારી દેવામાં આવેલી છે. આરોગ્ય વિભાગ દ્વારા જે ઘરો માટીના અને લીપણનાં હોય છે એમાં તિરાડોની અંદર આ માખીઓ, કીટકો વસતા હોય છે. ત્યાં આગળ એના પુરવાનું કામ, જંતુનાશક દવા છાંટવાનું વગેરે જેવાં કામ 4500થી 4600 જેટલાં ઘરોમાં કરવામાં આવ્યું છે. આશરે 44000 જેટલા લોકોને આ રોગની તપાસમાં આવરી લેવામાં આવેલા છે. ડોક્ટરોના મતે ચાંદીપુરા કોઈ નવો વાઈરસ નથી. તેનો પ્રથમ કેસ 1965માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરમાં સામે આવ્યો હતો. મૂળ મહારાષ્ટ્ર, ગુજરાત અને આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તાર આ વાયરસથી પ્રભાવિત છે.