અમદાવાદઃ ગુજરાતમાં હાલ વરસાદી સીઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે, વાયરલ બિમારીના કેસોમાં વધારો થયો છે. તે બીજીબાજુ ચાંદીપુરા વાયરસ પણ વકરી રહ્યો છે. તેના લીધે રાજ્યનું આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે. રાજ્યના તમામ જિલ્લાઓ અને તાલુકા મથકોની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઘેર ઘેર ફરીને સર્વે કરી રહ્યા છે.
ગુજરાતમાં વરસાદી સીઝનમાં વાયરલ બિમારી સાથે જ ચાંદીપુરા વાયરસે પણ માથું ઉચક્યું છે. ચાંદીપુરા વાઈરસના કારણે બાળકોના જીવ જોખમમાં મુકાયા છે. તો બીજી તરફ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મેઘરાજાની તોફાની બેટિંગને કારણે રોગચાળો ફાટી નીકળવાનો ખતરો વધ્યો છે. વરસાદી પાણી ભરાવવાના કારણે ગંદકી અને માખી-મચ્છરનો ઉપદ્રવથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોથી લોકો બીમાર પડી રહ્યા છે. રાજ્યના તમામ જિલ્લાઓ અને તાલુકાની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં શરદી-ઉધરસ અને તાવ ઉપરાંત ડેન્ગ્યુ, મેલેરિયા અને વાઈરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.
રાજકોટ શહેર અને જિલ્લામાં હાલ ચાંદીપુરા વાઇરસના કહેર વચ્ચે સીઝનલ બીમારીમાં વધારો થયો છે. ચોમાસાની સીઝનના કારણે શરદી-ઉધરસ, તાવ, ઝાડા-ઉલટી તેમજ ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોડ, કોલેરા અને વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓનો સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ધસારો જોવા મળી રહ્યો છે. અને રોગચાળો વધતા સિવિલ હોસ્પિટલની કેસબારી તેમજ દવાબારી ખાતે દર્દીઓ તેમજ તેના સગાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉમટ્યા હોય કતારો જોવા મળી રહી છે. જો કે, હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબુમાં હોવાનું તેમજ બધી દવાઓ અને ઇન્જેક્શનના પૂરતા સ્ટોક સાથે પર્યાપ્ત સ્ટાફ હોવાનું હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું.
આ ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર સહિત મહાનગરોમાં પણ સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી દવાખાનામાં વાયરલ બિમારીના કેસોમાં વધારો થયો છે. આરોગ્ય વિભાગે લોકોને રોગચાળા સામે સાવચેત રહેવા અપીલ કરી છે. (File photo)