ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લીધા, પવન કલ્યાણ બન્યા ડેપ્યુટી સીએમ
વિજયવાડાઃ તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના વડા એન ચંદ્રબાબુ નાયડુએ બુધવારે (12 જૂન, 2024) ચોથી વખત આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. વિજયવાડાના કેસરપલ્લી આઈટી પાર્કમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય પ્રધાનો જેપી નડ્ડા અને બંદી સંજય કુમાર સહિત અન્ય ઘણા નેતાઓએ હાજરી આપી હતી. અમિત શાહ અને જેપી નડ્ડા મંગળવારે સાંજે જ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે હૈદરાબાદ પહોંચ્યા હતા. ચંદ્રબાબુ નાયડુ બાદ જનસેનાના વડા અને અભિનેતા પવન કલ્યાણે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. ચંદ્રબાબુ નાયડુની સરકારમાં ડેપ્યુટી સીએમ સહિત 23 મંત્રીઓ છે. ટીડીપીના 19, પવન કલ્યાણ સહિત જનસેનાના 3 અને ભાજપમાંથી એક મંત્રી છે. એક જગ્યા ખાલી રાખવામાં આવી છે.
ચંદ્રાબાબુ નાયડુના પુત્ર અને ટીડીપીના મહાસચિવ નારા લોકેશને પણ ચંદ્રાબાબુ નાયડુ સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા છે. આ સિવાય ટીડીપી આંધ્રપ્રદેશના પ્રમુખ કે. અતચન્નાઈડુ અને જનસેના પાર્ટીની રાજકીય બાબતોની સમિતિના અધ્યક્ષ નડેન્દલા મનોહર પણ કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. ટીડીપીના મંત્રીઓમાં 17 નવા ચહેરાઓને તક મળી છે. જનસેના પાર્ટીમાં ત્રણ મંત્રીઓ પવન કલ્યાણ, નડેન્દલા મનોહર અને કંદુલા દુર્ગેશ છે, જ્યારે સત્ય કુમાર યાદવ ભાજપના ક્વોટામાંથી એકમાત્ર મંત્રી છે. ચંદ્રબાબુ નાયડુની કેબિનેટમાં ત્રણ મહિલાઓ છે. એન મોહમ્મદ ફારૂકના રૂપમાં એક મુસ્લિમ ચહેરાને પણ કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યો છે.
લોકસભા ચૂંટણી 2024ની સાથે આંધ્રપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ હતી. અહીં તેલુગુ દેશમ પાર્ટીએ જનસેના અને ભાજપ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી. ત્રણેય પક્ષોએ મળીને જગન મોહન રેડ્ડીની સરકારને ખરાબ રીતે હરાવ્યું હતું. આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં NDAએ 175માંથી 164 બેઠકો જીતી હતી. ચંદ્રબાબુ નાયડુની ટીડીપીને 135, પવન કલ્યાણની જનસેનાને 21 અને ભાજપને 8 બેઠકો મળી છે. જ્યારે જગન મોહન રેડ્ડીની YSRCPને માત્ર 11 બેઠકો મળી હતી. કોંગ્રેસે અહીં ખાતું પણ ખોલ્યું નથી.