ચંદ્રાબાબુ નાયડુ ચોથી વખત બનશે આંધ્રપ્રદેશના સીએમ, 12મી જૂને યોજાશે શપથવિધી
બેંગ્લોરઃ તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના ચીફ ચંદ્રબાબુ નાયડુ 12 જૂને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે. અગાઉ નાયડુ 9 જૂને શપથ લેવાના હતા, પરંતુ મોદીના શપથ ગ્રહણના કારણે તેઓ તેમનો શપથગ્રહણ કાર્યક્રમ 12 જૂન સુધી સ્થગિત કરી શકે છે. આંધ્ર પ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં TDPને 135 બેઠકો મળી છે. રાજ્યમાં 175 વિધાનસભા બેઠકો છે, જેમાંથી 88 બેઠકો જીતીને બહુમતી મેળવવાની હોય છે. જો કે, આ વખતે TDPએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને બહુમતી કરતાં વધુ બેઠકો મેળવી છે. લોકસભા ચૂંટણીની સાથે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ આવી ગયા છે. ટીડીપીએ પણ 16 લોકસભા સીટો જીતી છે. ટીડીપી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે એનડીએ ગઠબંધનનો પણ એક ભાગ છે.
રિપોર્ટ્સ અનુસાર, ચંદ્રબાબુ નાયડુનો શપથ ગ્રહણ સમારોહ અમરાવતીમાં થઈ શકે છે, જે આંધ્ર પ્રદેશની નિર્ધારિત રાજધાની છે. નાયડુ ચોથી વખત આંધ્રપ્રદેશના સીએમ બનવા જઈ રહ્યા છે. તેઓ સૌપ્રથમ 1995માં મુખ્યમંત્રી પદ સંભાળ્યા હતા. તેમણે 1995 થી 2004 સુધી બે ટર્મ માટે મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. આ પછી 2014માં જ્યારે આંધ્રપ્રદેશ અને તેલંગાણા બે ભાગમાં વહેંચાઈ ગયા ત્યારે તેઓ ત્રીજી વખત આંધ્રપ્રદેશના સીએમ બન્યા હતા. તેમણે 2014 થી 2019 સુધી સરકાર ચલાવી હતી.
ચંદ્રબાબુ નાયડુનો જન્મ 20 એપ્રિલ 1950 ના રોજ આંધ્ર પ્રદેશના અવિભાજિત ચિત્તૂર જિલ્લામાં નરવરીપલ્લીમાં થયો હતો. તેમણે તેમની ચાર દાયકાની રાજકીય કારકિર્દી શ્રી વેંકટેશ્વર યુનિવર્સિટી, તિરુપતિથી શરૂ કરી હતી. બાદમાં તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા અને કેબિનેટ મંત્રી પદ સુધી પહોંચ્યા. જો કે, બાદમાં તેઓ ટીડીપીમાં જોડાયા, જેની સ્થાપના તેમના સ્વર્ગસ્થ સસરા અને પ્રખ્યાત અભિનેતા એનટી રામારાવ દ્વારા કરવામાં આવી હતી. નાયડુએ 90ના દાયકાના અંતમાં કેન્દ્ર સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. TDP એ અટલ બિહારી વાજપેયી દ્વારા રચાયેલી પ્રથમ NDA સરકારને બાહ્ય સમર્થન આપ્યું હતું.