ચંદ્રશેખર આઝાદની જન્મ જયંતી, 15 વર્ષની ઉંમરે અસહયોગ આંદોલનમાં લીધો ભાગ
નવી દિલ્હીઃ ચંદ્રશેખર આઝાદનો જન્મ આજે એટલે કે 23 જુલાઈ 1906ના રોજ આલીરાજપુરના ભાવરા ખાતે થયો હતો. આઝાદનું જન્મસ્થળ અત્યારે મધ્યપ્રદેશના ઝાબુજા જિલ્લામાં છે. તેમના પિતાનું નામ સીતારામ તિવારી અને માતાનું નામ જગરાની તિવારી હતું. તેમની માતાની ઈચ્છા હતી કે, ચંદ્રશેખર સંસ્કૃતના વિદ્વાન બને. જેથી તેમને સંસ્કૃતના શિક્ષણ માટે કાશી વિદ્યાપીઠ બનારસ ખાતે મોકલ્યા હતા.
ગાંધીજીના અસહયોગ આંદોલનમાં ચંદ્રશેખર આઝાદે 15 વર્ષની ઉંમરે ભાગ લીધો હતો. આંદોલનમાં ભાગ લેવા બદલ ચંદ્રશેખર આઝાદની ધરપકડ કરી 20 ડિસેમ્બર 1921ના રોજ કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં તેમણે પોતાનું નામ આઝાદ અને પિતાનું નામ સ્વતંત્રતા હોવાનું કહ્યું તથા જેલને ઘર તરીકે ગણાવ્યું હતું. આવી રીતે પોતાનું નામ રાખનાર ચંદ્રશેખર આઝાદ એકમાત્ર ક્રાંતિકારી હતા.
1922માં ગાંધીજીએ અસહયોગ આંદોલન બંધ કરતા ચંદ્રશેખર આઝાદ સહિતના અનેક યુવાનો નિરાશ થયા હતા. આ દાયકામાં ભગતસિંહ, રામપ્રસાદ બિસ્મિલ જેવા અનેક ક્રાંતિકારી ઉભા થઇ રહ્યા હતા. આ દરમિયાન ચંદ્રશેખર આઝાદની મુલાકાત મન્મથનાથ ગુપ્તા સાથે થઈ હતી. જેણે તેમની મુલાકાત બિસ્મિલ સાથે કરવી હતી. બિસ્મિલે જ હિન્દુસ્તાન રીપબ્લિક એસો.ની સ્થાપના કરી હતી.
ચંદ્રશેખર આઝાદને બિસ્મિલથી લઈ ભગતસિંહ સન્માન આપતા હતા. એસોસિએશન માટે આઝાદે કુશળતાથી ફંડ એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. જેમાં તેઓ મોટાભાગે સરકારી માલ લૂંટતા હતા. ક્રાંતિકારી સાથીઓ તેજ મગજના આઝાદને ક્વિકસિલ્વર નામ આપ્યું હતું.1925માં થયેલી કાકોરી લૂંટમાં આઝાદ પણ સામેલ હતા. પણ તેઓ પકડાયા નહતા. કાકોરીથી ખજાનો લૂંટી આઝાદ સિવાય બધા ક્રાંતિકારીઓ પોતાના નિશ્ચિત સ્થળે રાત વિતાવી રહ્યા હતા. પણ આઝાદે પાર્કમાં રાત વિતાવી હતી. તેમણે આખી રાત બાકડા પર બેસીને વિતાવી હતી. આ લૂંટ બાદ બધા આરોપીઓ પકડાયા હતા, પરંતુ આઝાદને જીવતા પકડી શકાયા નહોતા.
ચંદ્ર શેખર આઝાદની ક્રાંતિનું કેન્દ્ર ઝાંસી હતું. તેમણે ફરાર હતા તે સમયે આશરે 5 વર્ષ તેમણે બુંદેલખંડમાં વિતાવ્યા હતા. આ દરમિયાન તેઓ પોતાના વિશ્વાસુ લોકોમાંથી એક એવા ક્રાંતિકારી સદાશિવને પોતાની સાથે ઝાબુઆ લઈ ગયા હતા. ચંદ્રશેખર આઝાદ 27 ફેબ્રુઆરી 1931ના રોજ શહીદ થયા હતા. તેમની શહાદતના થોડા સમય બાદ તેમના પિતા શિવરામ તિવારીની મૃત્યુ થઈ ગઈ હતી. તેમના ભાઈનું નિધન તો પહેલા જ થઈ ગયું હતું. આવામાં આઝાદના માતા સાવ એકલા પડી ગયા હતા અને ગુમનામીનું જીવન જીવી રહ્યા હતા. તેમની સાથે ગામલોકોનો વ્યવહાર ખૂબ જ ખરાબ હતો. કેટલાક લોકો તેમને ડાકુની મા કહીને બોલાવતા હતા. એક રીતે ગામલોકોએ તેમનો બહિષ્કૃત કર્યા હતા. દેશને આઝાદ કરવામાં ક્રાંતિકારીઓનું યોગદાન અતુલ્ય છે. જેમાં ચંદ્રશેખર આઝાદનું નામ ક્યારેય ભુલાય નહીં.