Site icon Revoi.in

લર્નિંગ લાયસન્સ કઢાવવાના નિયમોમાં ફેરફાર, હવે 15માંથી 9 પ્રશ્નો સાચા પડશે તો પાસ ગણાશે

Social Share

અમદાવાદઃ લર્નિંગ લાયસન્સની ઓનલાઈન પરીક્ષા આઈટીઆઈ અને પોલિટેક્નિકમાં લેવાય છે, જે પરીક્ષાના નિયમો હળવા કરવામાં આવતા ઉમેદવારોને રાહત થશે.  અગાઉ ઓનલાઇન પરીક્ષામાં 15 માંથી 11 પ્રશ્નના જવાબ સાચા પડે તો ઉત્તીર્ણ ગણાતા,  હવે 9 પ્રશ્ન સાચા હશે તો પણ માન્ય રહેશે.

રાજ્યના વાહન વ્યવહાર વિભાગે વાહનોના લર્નિંગ લાયસન્સ મેળવવા માગતા ઉમેદવારોને સરળતા રહે તે હેતુથી લર્નિંગ લાયસન્સ માટેની પરીક્ષાના નિયમો હળવા કર્યા છે. પરીક્ષા ઓનલાઈન હોવાથી ઓછું ભણેલા લોકોને મુશ્કેલી પડતી હતી. આ અંગે કમિશનર કચેરી ખાતે રજૂઆતો કરાતા નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે. આઈટીઆઈ દ્વારા લેવાતી લર્નિંગ લાયસન્સની ઓનલાઈન પરીક્ષામાં ઘણી વખત એવું બનતું હતું કે ઉમેદવારને વાહન ચલાવવામાં ફાવટ હોય પણ ઓનલાઈન પરીક્ષાના કારણે નાપાસ થતા હતા. આ પરીક્ષાનો મુખ્ય હેતુ છે કે વાહન ચાલકોને ડ્રાઈવિંગ વિશે બેઝિક જ્ઞાન હોય અને વાહન સરખી રીતે ચલાવતા આવડતું હોય તેવા ઉમેદવારોને લાઈસન્સ આપવામાં આવે છે. વિવિધ ઉમેદવારો તરફથી આવેલી રજૂઆતના કારણે હવે બે  પ્રશ્નો ઘટાડી દેવામાં આવ્યા છે. વાહન ચાલકની મુખ્ય દક્ષતા ડ્રાઈવિંગ ટેસ્ટ વખતે જાણી શકાય છે. આ નિર્ણયના કારણે ઓછા ભણેલા ઉમેદવારો અને અભણ ઉમેદવારોને લર્નિંગ લાઈસન્સ મેળવવામાં સરળતા રહેશે. આ નવો નિયમ લાગુ થતા વેઇટિંગમાં ઘટાડો થશે તેવી આશા છે.

રાજ્યના તમામ જિલ્લાઓમાં લર્નિંગ લાઇસન્સ સરળતાથી મળી રહે તે માટે મોટો નિર્ણય લેવાયો છે. અત્યાર સુધી પરીક્ષા માટે કુલ 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો સાચા હોવાનો નિયમ હતો. તેને બદલે હવે 9 પ્રશ્નોના સાચા જવાબો હશે તો પણ લર્નિંગ લાયસન્સ મળી જશે. વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા બદલ અંગે પરિપત્ર જાહેર કરાયો છે.

ગુજરાત ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા જણાવાયું કે, લર્નિંગ લાયસન્સની કોમ્પ્યુટર પરીક્ષા પાસ થવા માટે કુલ-15પ્રશ્નોમાથી 11 પ્રશ્નોના સાચા જવાબ આપ્યુંથી લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવાની પદ્ધતિ અમલમાં છે. જે અંગે સંદર્ભ દર્શિત બંદરો અને વાહન વ્યવહાર વિભાગના તા.01/07/2024 ના પત્રથી મળેલ અનુમોદન મુજબ કેન્દ્રીય મોટર વાહન નિયમો, 1989ના નિયમ-11(4) અનુસાર, હવેથી 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નોના સાચા જવાબ આવ્યેથી લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવા જણાવવામાં આવે છે. સદર બાબતની જાણ લર્નિંગ લાયસન્સની કામગીરી કરતી તાબાની કચેરીઓને કરવામાં આવી છે. આ ફેરફાર કરવા પાછળનો હેતુ ઓછું ભણતર ધરાવતા અથવા સારી રીતે વાંચી ન શક્તા લોકોને ડ્રાઇવિંગ ટેસ્ટ દરમિયાન તેમની ડ્રાઇવિંગ કુશળતા દર્શાવીને લર્નિંગ લાયસન્સ મેળવવામાં મદદ કરવાનો છે.