મોહરમની રજામાં ફેરફાર થતાં હવે ધો-3થી 8ની એકમ કસોટીનો કાર્યક્રમ પણ બદલવો પડ્યો
અમદાવાદઃ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ-3થી 8ના વિદ્યાર્થીઓ માટે 20 અને 21 ઓગસ્ટના રોજ એકમ કસોટી યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, રાજ્ય સરકાર દ્વારા મોહરમની રજામાં ફેરફાર કરાતા હવે એકમ કસોટીના કાર્યક્રમમાં પણ ફેરફાર કરવાની ફરજ પડી છે. જેથી હવે ધોરણ-3થી 8ના વિદ્યાર્થીઓ માટે 19 અને 21 ઓગસ્ટના રોજ એકમ કસોટી યોજવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ધોરણ-3થી 8ના વિદ્યાર્થીઓ માટે દર મહિને શિક્ષણ વિભાગ દ્વારા એકમ કસોટી યોજવામાં આવે છે. ઓગસ્ટ માસમાં પણ શિક્ષણ વિભાગ દ્વારા એકમ કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે મુજબ 20 અને 21 ઓગસ્ટના રોજ ધોરણ-3થી 8ની એકમ કસોટી લેવામાં આવનાર હતી. રાજ્ય સરકાર દ્વારા અગાઉ 19 ઓગસ્ટના રોજ મોહરમની રજા જાહેર કરી હોવાથી 20 અને 21 ઓગસ્ટના રોજ એકમ કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, હવે 20 ઓગસ્ટના રોજ મહોરમનો તહેવાર આવતો હોવાથી રજામાં ફેરફાર કરવા માટે સરકારને અનેક રજૂઆતો મળી હતી. જેના પગલે રાજ્ય સરકાર દ્વારા મહોરમની રજા 19 ઓગસ્ટના બદલે 20 ઓગસ્ટના રોજ રાખવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત સાથે ધોરણ-3થી 8ના વિદ્યાર્થીઓ માટે લેવાનારી એકમ કસોટીમાં પણ ફેરફાર કરવાની ફરજ પડી છે.
શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા ફેરફાર મુજબ 20 ઓગસ્ટના રોજ લેવાનારી એકમ કસોટી હવે એક દિવસ પહેલા એટલે કે 19 ઓગસ્ટના રોજ લેવામાં આવશે. જ્યારે 21 ઓગસ્ટની એકમ કસોટી તે જ દિવસે યથાવત રાખવામાં આવી છે. આમ, હવે 20 અને 21 ઓગસ્ટના બદલે 19 અને 21 ઓગસ્ટના રોજ એકમ કસોટી યોજવામાં આવશે.