ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતની તારીખમાં ફરીવાર ફેરફાર થયો છે. અગાઉ પીએમના પ્રવાસને લઈને અગાઉ બે વખત બદલાવ આવી ચૂક્યો છે. હવે ફરી એકવાર ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઇને આંશિક બદલાવ આવ્યો છે. અગાઉ બીજી ઓક્ટોબર વડાપ્રધાનના કાર્યક્રમનું આયોજન થયું હતું, પરંતુ તેના બદલે 27મીએ અને 28મીએ કાર્યક્રમ નક્કી થયો હતો. પરંતુ હવે વડાપ્રધાન 26મીએ સાંજે જ ગુજરાત આવી જશે અને 27 વાઇબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષની ઉજવણી સાયન્સ સિટીમાં યોજાશે. તેમાં સામેલ થયા બાદ વડોદરા અને બોડેલીમાં સભાને સંબોધન કરશે.
સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ અગાઉ બીજી ઓક્ટોબરના રોજ નિર્ધારિત કરવામાં આવ્યો હતો. જેમાં ગાંધી આશ્રમના રિડેવલપમેન્ટને લઇને ભૂમિપૂજન કરવામાં આવે તે પ્રકારનું આયોજન હતું. ત્યારબાદ બોડેલીમાં સભાનું આયોજન કરાયુ હતું. હવે વાઇબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષ એટલે કે બે દાયકા પૂર્ણ થવાને લઈને 27મીએ કાર્યક્રમનું આયોજન થતા બોડેલીની સભા બીજી ઓક્ટોબરના બદલે 27 સપ્ટેમ્બરે યોજાશે. આ ઉપરાંત વડોદરામાં પણ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનની ઉપસ્થિતિમાં 27મી સપ્ટેમ્બરે અમદાવાદના ટાઉનહોલમાં યોજાનારી સમિટ ઓફ સક્સેસનું આયોજન સ્થળમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ટાઉનહોલના બદલે સમગ્ર આયોજન સાયન્સ સિટીમાં કરાશે. આ કાર્યક્રમના આયોજનના ભાગરૂપે ખાણ ખનીજ કમિશનર ધવલ પટેલ અને ઉદ્યોગ કમિશનર કુલદીપ આર્ય સાયન્સ સિટીની મુલાકાત લીધી હતી. અને વ્યવસ્થાનું નિરિક્ષણ કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેમના વાઇબ્રન્ટ સમિટના 20 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે અગાઉ 28 તારીખે યોજાવવાનો હતો તે 27 તારીખે યોજાય તેવી તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન 26મીએ સાંજે જ અમદાવાદ આવી પહોંચશે. અને રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે.(File photo)