Site icon Revoi.in

દક્ષિણ ગુજરાતના હવામાનમાં પલટો, સૌરાષ્ટ્રમાં વાદળછાંયુ વાતાવરણમાં બેઋતુનો અનુભવ

Social Share

અમદાવાદ: રાજ્યમાં શિયાળાનો દોઢ મહિનો વિતિ ગયો હોવા છતાં હજુ ઠંડી-ગરમી મિશ્રિત વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે વાતાવરણમાં પલટો આવતા દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં સામાન્ય કમોસમી વરસાદના છાંટણા પડ્યા હતા. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ કેટલાક વિસ્તારોમાં વાતાવરણ વાદળછાંયુ બન્યું છે.

રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે અને બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. લોકો ઠંડીની રાહ જોઈ રહ્યા છે. લઘુતમ તાપમાન ઘટવાના બદલે તાપમાન વધી રહ્યું છે. જેના કારણે ઠંડીનું જોર ઘટ્યું છે. તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતના વાતાવરણ પલટો આવ્યો છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી ચાર દિવસ તાપમાન યથાવત રહેશે તેમ જ દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નર્મદા, વલસાડ, નવસારી જિલ્લામાં આજથી બે દિવસ વાતાવરણમાં પલટો આવશે સાથે જ કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે. જોકે સૌરાષ્ટ્રમાં વાદળછાંયુ વાતાવરણ રહેશે.
સૂત્રોએ જણાવ્યુ હતું કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મંગળવારે સવારે અનેક સ્થળોએ આંશિક વાદળછાયુ વાતાવરણ સાથે ઝાકળ છવાયુ હતું. સોમવારથી વિન્ડ પેર્ટન ચેન્જ થઇ હોય ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. રાજકોટ શહેરમાં પણ આંશિક વાદળીયુ વાતાવરણ છવાવા સાથે સવારે લઘુતમ તાપમાન 18.7 ડિગ્રી નોંધાયુ હતું અને હવામાં ભેજ 71 ટકા રહ્યો હતો. તેમજ પવનની સરેરાશ ઝડપ 10 કિ.મી. રહેવા પામી હતી.જયારે આજે સવારે રાજકોટ ઉપરાંત અન્ય સ્થળોએ પણ સામાન્ય ઠંડી યથાવત રહી હતી.  અત્રે ઉલ્લેખનીય છે કે આજથી બે-ત્રણ દિવસ અગાઉ જ ખાસ કરીને નલિયા-ગાંધીનગરમાં તિવ્ર ઠંડીનો અનુભવ થતો હતો. જોકે વિન્ડ પેર્ટન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે સવારનું તાપમાન ઉંચકાતા માત્ર ગુલાબી ઠંડી અનુભવાઇ રહી છે.