1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દસ્તાવેજોની નોંધણીના નિયમમાં 15મી ઓગસ્ટથી ફેરફાર, બોન્ડ રાઈડરો અને વકિલોનું કામ વધી જશે
દસ્તાવેજોની નોંધણીના નિયમમાં 15મી ઓગસ્ટથી ફેરફાર, બોન્ડ રાઈડરો અને વકિલોનું કામ વધી જશે

દસ્તાવેજોની નોંધણીના નિયમમાં 15મી ઓગસ્ટથી ફેરફાર, બોન્ડ રાઈડરો અને વકિલોનું કામ વધી જશે

0
Social Share

અમદાવાદ: ગુજરાતમાં દસ્તાવેજોની નોંધણીનું કામ સરળ અને પારદર્શક બનાવવામાં આવી રહ્યું છે. આગામી 15 ઓગસ્ટથી દસ્તાવેજોની નોંધણીના એક નિયમમાં એક ફેરફાર રાજ્યની બધી સબ રજિસ્ટ્રાર કચેરીમાં અમલી બની જશે. મિલકત વેચાણ, પાવર ઓફ એટર્ની, બક્ષિસ લેખ સહિતના દસ્તાવેજોની નોંધણી માટે રાજ્યની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં હવે 15મી ઓગસ્ટ, 2022થી દસ્તાવેજોનું લખાણ અરજદારે જાતે જ ઓનલાઈન એન્ટ્રી કર્યા પછી એપોઈન્ટમેન્ટ મુજબ નોંધણી કરાવવા માટે સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં જવાનું રહેશે. જો કે, આ ફેરફારથી બોન્ડ રાઈડરો અને વકીલોનું કામ વધી જશે. કેમકે, અરજદારો કોઈપણ દસ્તાવેજો માટે તેમની જ મદદ લેતા હોય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં જિલ્લા અને તાલુકા મથકો પર આવેલી સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજોના લખાણ સહિતની તમામ વિગાતોની ઓનલાઈન એન્ટ્રી માટે ગત 1મેથી પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. જેના પહેલા ફેઝમાં રાજ્યની છ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં તેનો અમલ કરાયો હતો. ત્યારબાદ 6ઠ્ઠી જૂનથી બીજા ફેઝમાં 32 કચેરીઓ, 1 જુલાઈથી ત્રીજા ફેઝમાં 13 જિલ્લાઓ અને 18 જુલાઈથી ચોથા ફેઝમાં 11 જિલ્લાની સબ રજિસ્ટ્રાર કચેરીઓ મળી રાજ્યની કુલ 187 કચેરીઓમાં અમલ કરવામાં આવ્યો હતો. હવે, 15 ઓગસ્ટથી તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં તેનો અમલ થશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં થતી વિવિધ પ્રકારની કામગીરી જેવી કે, ઈન્ડેક્સની નકલ, દસ્તાવેજોની નકલ લોકો ઓનલાઈન મેળવી શકે છે. હવે, આ કચેરીઓમાં ભીડ ઓછી કરવા માટે તેમજ આઉટસોર્સિંગનું ઓપરેટરોનું ભારણ ઓછું કરવા માટે નિયમમાં કરાયેલા ફેરફાર મુજબ પહેલા દસ્તાવેજોનું લખાણ નોંધણી કરાવનારા જાતે લઈને આવતા હતા, તેને બદલે હવે ઓનલાઈન એન્ટ્રી કર્યા પછી જે દિવસે એપોઈન્ટમેન્ટ મળે ત્યારે જાતે દસ્તાવેજોની નકલ લઈને જવાનું રહેશે. આ અંગે અરજદારો રાજ્ય સરકારની નવા વેબ પોર્ટલ garvibeta.gujarat.gov.in પર અરજદારે લોગ ઈન કરી વિવિધ વિગતો એન્ટ્રી કરવાની રહેશે. દસ્તાવેજ કરનારા તેમજ કરી આપનારા સહિત તમામના નામો પોર્ટલ પરની વિગતો મુજબ જાતે જ એન્ટ્રી કરવાના રહેશે. તેમજ સાક્ષીઓના નામોની પણ અગાઉથી જ એન્ટ્રી થશે. એટલું જ નહીં, મિલકતની વેલ્યુએશન પણ જાતે જ કરી સ્ટેમ્પ ડ્યુટી નક્કી કરવાની રહેશે. આ બધી વિગતો પોર્ટલ પર અપલોડ કર્યા પછી દસ્તાવેજ કરાવવા માટે એપોઈન્ટમેન્ટ લેવાની રહેશે અને બાદમાં દસ્તાવેજની વિગતો ઓનલાઈન એન્ટ્રી કરી હોવા છતાં સબ રજિસ્ટ્રાર સમક્ષ તે ફિઝિકલ રજૂ કરવાની રહેશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, દસ્તાવેજોની વિગતોની અરજદારે જાતે જ એન્ટ્રી કરી હોવાથી હવે લખાણ સાચું-ખોટું હોવાની તમામ જવાબદારી દસ્તાવેજ કરનારની જ રહેશે. પરંતુ જો કોઈ સુધારો કરવો હોય તો તેના માટે વિકલ્પ પણ અપાયો છે. અગાઉ જ્યારે દસ્તાવેજોની નોંધણી કરાવવાની થતી હતી ત્યારે ઓપરેટર દ્વારા નામ સહિતની એન્ટ્રી કરાતી હતી. જેમાં ક્યારેય ભૂલ થઈ જતી હોવાથી સમસ્યાઓ ઊભી થતી હતી. પરંતુ, હવે અરજદારે જાતે જ એન્ટ્રી કરવાની હોવાથી આવી ભૂલ થવાની શક્યતાઓ ઘટી જશે. દસ્તાવેજમાં નોંધણી માટે અરજદારે જાતે જ વિગતો સહિતનું લખાણ ઓનલાઈન એન્ટ્રી કરવાનો નિયમ અમલી બનવાથી હવે બોન્ડ રાઈડરો અને વકીલોનું કામ વધી જશે. અરજદારો કોઈપણ દસ્તાવેજો માટેનું લખાણ એક પેજનું હોવા છતાં વકીલો અથવા બોન્ડ રાઈડરોની મદદ લેતા હોય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code