Site icon Revoi.in

ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાંક માવઠું પડ્યું તો ક્યાંક વીજળી, કામરેજમાં નાળિયેરનું ઝાડ સળગી ગયું

Social Share

અમદાવાદ: ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફાગણ મહિને અષાઢી માહોલ સર્જાયો છે. ગઈકાલ સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો તો કેટલાક વિસ્તારમાં વીજળી પડી હતી. જ્યારે કેટલાક વિસ્તારોમાં લોકોએ અસહ્ય ગરમી સાથે ઉકળાટનો અનુભવ કર્યો હતો. દરમિયાન  હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ગાજવીજ અને પવન સાથે માવઠું થઇ શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના પોરબંદર સહિતના વિસ્તારોમાં હિટવેવ થવાની આગાહી કરવામાં આવી છે

સૂત્રોના જણાવ્યા મુજબ સુરતમાં ગત મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. તેજ પવન સાથે વરસાદ વરસ્યો હતો. શહેરના કામરેજના દિગસ ગામ પાસે ઝાડ પર વીજળી પડી હતી. જેના કારણે નાળિયેરીનુ ઝાડ સળગી ઉઠ્યું હતુ. આ જોતા આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ છવાયો હતો. જ્યારે વડોદરામાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. શહેર સહિત જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો.  કમોસમી વરસાદ વરસતા વાતાવરણ ઠંડુ થયું હતુ. શહેરના સયાજીગંજ, રાવપુરા, ગોત્રી, ફતેગંજ, ગોરવા, આજવા રોડ, વાઘોડિયા રોડ, અકોટા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આ માવઠાને કારણે રોગચાળો વકરવાની દહેશત છે.

આ ઉપરાંત છોટાઉદેપુરના કવાંટ વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કવાંટ ગામમાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો. અહીં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જ્યારે તાપી જિલ્લામાં ખાસ કરીને ભીંડા પકવતા ખેડૂતોમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. માવઠાથી ભીંડાના પાકનો ઉતારો ઓછો થઈ જતો હોય છે. આ ઉપરાંત ખેડા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જિલ્લામાં ઘઉંનો પાક તૈયાર થઈ ગયો છે. ખેડૂતોને મોમાં આવેલો કોળીયો છીનવાઈ જાય એમ લાગી રહ્યુ છે.
સૌરાષ્ટ્રમાં દેવભૂમી દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વાદળછાયું વાતાવરણ વચ્ચે ખેડૂતો ચિંતિત બન્યા છે. જ્યારે સૌરાષ્ટ્રના જુનાગઢ.પોરબંદર તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં લોકોએ અસહ્ય ગરમી અને ઉકળાટનો અનુભવ કર્યો હતો.