Site icon Revoi.in

ચોટિલામાં ચામુડાં માતાજીના નવરાત્રી દરમિયાન આરતીના સમયમાં ફેરફાર

Social Share

સુરેન્દ્રનગરઃ મા આદ્યશક્તિની આરાધનાના અવસર એવા નવરાત્રિને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. આવતી કાલે ગુરૂવારથી નવરાત્રી પર્વનો રંગેચંગે પ્રારંભ થશે, નવરાત્રીના પર્વ દરમિયાન માતાજીની પૂજા-અર્ચના અને દર્શનનું વિશેષ મહાત્મ્ય છે. ત્યારે યાત્રાધામ ચોટિલામાં ચામુડાં માતાજીના મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રી પર્વને લઈને તૈયારીઓ આજે પૂર્ણ કરી દેવામાં આવી છે, રંગબેરંગીથી મંદિરને શણગારવામાં આવ્યું છે. તેમજ કાલે પ્રથમ નોરતાથી માતાજીના આરતી અને દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

ચામુડાં મંદિર ટ્રસ્ટ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે કાલે તા. 3 ઓક્ટોબર 2024થી 11 ઓક્ટોબર 2024 દરમિયાન 9 દિવસ સુધી માતાજીનો ડુંગર ચડવા માટે સવારે 4-30 વાગ્યે પગથિયાના દ્વાર ખુલી જશે અને સવારે 5 વાગ્યે માતાજીની આરતી થશે. જો કે સાંજની આરતીના સમયમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. સાંજે સૂર્યાસ્તના સમયે જ માતાજીની આરતી ઉતારવામાં આવશે.

મંદિર ટ્રસ્ટના જણાવ્યા મુજબ તા. 10 ઓક્ટોબરના દિવસે ચોટીલામાં હવનાષ્ટમીને લઈને માતાજીનો હવન કરવામાં આવશે. જેમાં સાંજે 4 વાગ્યે બીડું હોમવામાં આવશે. નવરાત્રીમાં માતાજીના દર્શને આવતા માઈભક્તો માટે ચોટીલા ચામુંડા માતાજી ટ્રસ્ટ દ્વારા ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હવનાષ્ટમી સિવાયના દિવસોમાં ભોજન પ્રસાદીનો સમય સવારે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીનો રહેશે. અને હવનાષ્ટમીના દિવસે બીડું હોમાયા બાદ સાંજના 4 વાગ્યા પછી ભોજન પ્રસાદી લઈ શકાશે.