દિલ્હી : ઈદના કારણે રાષ્ટ્રપતિ ભવન ખાતે આજે ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની નહીં યોજાય અને તે રાજપત્રિત રજા રહેશે. શુક્રવારે જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં આ વાત કહેવામાં આવી હતી.
‘ચેન્જ ઓફ ગાર્ડ’ સમારોહ એ એક લશ્કરી પરંપરા છે જે દર અઠવાડિયે રાષ્ટ્રપતિના અંગરક્ષકોના નવા જૂથને કાર્યભાર સંભાળવા સક્ષમ બનાવવા માટે યોજવામાં આવે છે.
“ઈદ-ઉલ-ફિત્રના કારણે રાજપત્રિત રજાને કારણે આ શનિવારે (22 એપ્રિલ, 2023) રાષ્ટ્રપતિ ભવન ખાતે ચેન્જ ઓફ ગાર્ડ સમારોહ યોજવામાં આવશે નહીં,” રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.
નોંધનીય છે કે,દેશભરમાં આજે ધામધૂમથી ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ નરેન્દ્ર મોદીએ ઈદ-ઉલ-ફિત્રના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.
શુક્રવારે રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઈદ પવિત્ર રમઝાન મહિનાના અંતને ચિહ્નિત કરે છે. ઈદ એ પ્રેમ અને કરુણાની લાગણીઓ વહેંચવાનો તહેવાર છે. તહેવાર આપણને એકતા અને પરસ્પર સમરસતાનો સંદેશ આપે છે.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાને ઈદની શુભેચ્છા પાઠવી હતી. શુક્રવારે પીએમ મોદીએ વિશ્વભરના લોકો માટે શાંતિ, સ્વાસ્થ્ય અને ખુશીની કામના કરી હતી.
પીએમએ કહ્યું કે ભારતના લોકો વતી હું તમને અને બાંગ્લાદેશના લોકોને ઈદની શુભેચ્છા પાઠવું છું. વડા પ્રધાન મોદીએ કહ્યું કે રમઝાન દરમિયાન વિશ્વભરના મુસ્લિમો ઉપવાસ કરે છે અને પ્રાર્થના કરે છે. ઈદ-ઉલ-ફિત્રના શુભ અવસર પર વિશ્વના લોકો એકતાના મૂલ્યોને સાકાર કરી રહ્યા છે.