અમદાવાદઃ રાજ્યમાં કોરોના મહામારીને પગલે સ્કૂલ-કોલેજ બંધ હોવાથી વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવે છે. તેમજ સરકાર દ્વારા ચાલુ વર્ષે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરાયા બાદ નવી પરીક્ષા પદ્ધતિ અને તેની પેટર્ન બાબતે નિર્ણય કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ધોરણ 9 થી 12 માં સામાન્ય પ્રવાહમાં હેતુલક્ષી પ્રશ્નો 20 ટકાના બદલે 30 ટકા પુછાશે. વિજ્ઞાન પ્રવાહમાં મલ્ટીપલ ચોઇસ અને વર્ણનાત્મક પ્રશ્નોનું 50- 50 ટકાનું વેઈટેજ છે તે યથાવત રાખવામાં આવેલ છે. જ્યારે ધોરણ 9 થી 12 માં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોમાં અત્યાર સુધી ઇન્ટરનલ ઓપ્શન આપવામાં આવતા હતા તેના બદલે હવે આગામી પરીક્ષામાં જનરલ ઓપ્શન આપવામાં આવશે.
વિદ્યાર્થીઓને પરીક્ષામાં જનરલ ઓપ્શન આપવાની શરૂઆત કોલેજ કક્ષાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સૌપ્રથમ કરી હતી અને ત્યારબાદ આ પેટર્ન સફળ રહેતા હવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે પણ આગામી પરીક્ષામાં આ પેટર્ન અપ્નાવવાનો નિર્ણય લીધો છે. ધોરણ 10 અને 12 ની પરીક્ષાનું મહત્વ વધુ હોવાના કારણે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12 ના મુખ્ય 40 વિષયના પ્રશ્નપત્રોની નવી સ્ટાઈલ, માર્કસના વેઇટેજ સહિતની તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ખાસ નમૂનાના પ્રશ્નપત્રો એક્સપર્ટ પાસે બનાવ્યા છે અને તે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને મોકલી દેવાયા છે. નવા પ્રશ્નપત્રની પેટર્ન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તમામ સ્કુલને મોકલી દેવા બોર્ડ દ્વારા જે તે જિલ્લા શિક્ષણાધિકારીઓને જણાવી દેવાયું છે.