અમદાવાદઃ શહેર- જિલ્લામાં મહિલાઓ ઉપર દુષ્કર્મના બનાવો અંગે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, મહિલાઓની સલામતી અને સુરક્ષામાં આજે પણ ગુજરાત નંબર.૧ ઉપર છે. મહિલાઓને વિશેષ રક્ષણ પૂરું પાડવા માટે વર્ષ-2013માં પોકસો એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. આ કાયદા થકી ગુનેગારોને કડકમાં કડક સજા થઈ શકે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં મહિલાઓ ઉપર થતા દુષ્કર્મના કેસમાં પોલીસ સંવેદના સાથે તપાસ કરતી હોય છે, તેમાં પણ ખાસ સગીરા ઉપર દુષ્કર્મના કિસ્સામાં ત્વરિત પોલીસ તપાસ થાય અને ખૂબ જ ઝડપથી ચાર્જશીટ ફાઈલ થઈ જાય તે પ્રકારે પોલીસ કાર્યવાહી કરવામાં આવે છે. આ પ્રકારના ગુનાઓમાં ભોગ બનેલા પરિવારને ત્વરિત ન્યાય મળે અને આરોપીઓને પણ કડક અને ઝડપી સજા મળે તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ ચલાવવામાં આવી રહી છે. ગુજરાતમાં આવા 400થી વધુ કિસ્સામાં 60 દિવસમાં ચાર્જશીટ કરી દેવાઈ છે. તેમાં પણ 100 થી વધુ ગુનાઓમાં 25 દિવસથી ઓછા સમયમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. એટલું જ નહિ, છેલ્લા દોઢ વર્ષમાં 11 કિસ્સાઓ એવા છે જેમાં માત્ર 90 જ દિવસની અંદર આરોપીઓને સજા પડી છે અને ભોગ બનેલા પરિવારને ન્યાય અપાવ્યો છે.
મંત્રીએ ઉમેર્યું કે, નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો મુજબ દેશમાં બળાત્કારના ગુનાઓ 4.8% છે તેની સામે ગુજરાતમાં બળાત્કારના 1.8% ગુનાઓ બન્યા છે. ગુજરાતમાં કોઈપણ પીડિત મહિલાને જરૂરી માર્ગદર્શન અને સહાય મળી રહે તે માટે રાજ્યના તમામ પોલીસ માથકોમાં વુમન હેલ્થ ડેસ્ક પણ ઊભું કરવામાં આવ્યું છે.