બાળકી ઉપર દુષ્કર્મ આચરીને હત્યા કરનારા વિકૃત આરોપી સામે 10 દિવસમાં જ કરાશે ચાર્જશીટ
અમદાવાદઃ ગાંધીનગરના સાંતેજમાં બે બાળકીઓનું અપહરણ કરીને દુષકર્મ આચરવા ઉપરાંત એક બાળકીની હત્યા કરવાના ચકચારી બનાવમાં વિકૃત આરોપી સામે 10 દિવસની અંદર જ ચાર્જશીટ ફાઈલ કરીને પીડિત પરિવારને ઝડપી ન્યાય અપાવવા માટે પોલીસ વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરના સાંતેજમાં એક બાળકીનું અપહરણ કર્યા બાદ તેની ઉપર દુષકર્મ આચરીને તેની હત્યા કરવાના ચકચારી બનાવમાં પોલીસે વિજય ઠાકોર નામના આરોપીની ધરપકડ કરી હતી. તેમજ તેની પ્રાથમિક તપાસમાં તેણે અન્ય બે બાળકીઓનું પણ અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હોવાનું ખૂલ્યું હતું. પોલીસે આરોપી સામે જેમ બને તેમ ઝડપથી એટલે કે 10 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરવાનો નિર્ણય કર્યો છે. જેથી તેની સામેના પુરવા એકત્ર કરવા માટે ખાસ ટીન બનાવવામાં આવી છે. એટલું જ નહીં એફએસએલને પણ જરૂરી રિપોર્ટ ઝડપથી આપવા વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત સરકાર દ્વારા આ કેસ માટે ખાસ સરકારી વકીલની પણ નિમણુંક કરવાનો નિર્ણય લેવાયો છે. સરકાર અને પોલીસ દ્વારા જેમ બને તેમ ઝડપથી પીડિત પરિવારને ન્યાય મળે તેવા ઈરાદા સાથે કામગીરી શરૂ કરવામાં આવી છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જમાવ્યું હતું કે, 2021-22માં મહિલાઓ ઉપર અત્ચાચારના 150 ગુના શોધવામાં આવ્યાં છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ પીડિત મહિલાઓને ઝડપી ન્યાય મળે તે માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. જેથી મહિલાઓ ઉપર અત્યાચાર ગુજારતા ગુનેગારોમાં કાયદાનો ડર ઉભો થાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.