Site icon Revoi.in

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક એકતાનગર રેલવે સ્ટેશન પર ઈલે.વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન બનાવાશે

Social Share

રાજપીપળાઃ કેવડીયામાં દુનિયાની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે ગ્રીન કોરીડોરથી જ લોકો પહોંચી શકશે. ક્ષેત્રને પ્રદુષણથી બચાવવા માટે રેલવેનાં એકતાનગર સ્ટેશને 51 ઈલેકટ્રીક ચાર્જીંગ સ્ટેશન બનાવવામાં આવશે. અહી ઈલેકટ્રીક વાહન ચાર્જ કરીને કેવડીયા સુધી જઈ શકાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ કેવડિયા રેવલે સ્ટેશનનું નવુ નામ એકતાનગર પવામાં આવ્યું છે. એકતાનગર રેલવે સ્ટેશનથી સ્ટેચ્યુ ઓફ યુનિટી લગભગ 6 કિલોમીટર દુર છે. તેને જોવા માટે વીક એન્ડ કે રજાના દિવસોમાં લગભગ 30 થી 40 હજાર લોકો આવે છે. એટલુ જ નહિં આ સ્ટેશને ક્ષેત્રની આદિવાસી કલાને પુરી દુનિયા સુધી પહોંચાડવા માટે એક આર્ટ ગેલેરી બનાવવામાં આવશે.જયાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવનારા સંભારણું પણ ખરીદી શકશે.

વેસ્ટર્ન રેલવેના ચીફ પીઆરઓ સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે, આગામી બે મહિનામાં એકતાનગર રેલવે સ્ટેશનની 10,500 વર્ગ મીટરના પાર્કીંગમાં 51 ઈલેકટ્રીક વાહન ચાર્જીંગ બનાવવામાં આવશે.અહી ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર વાહનોને ચાર્જ કરવાની સુવિધા હશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવતા પ્રવાસીઓ પોતાના ઈલેક્ટ્રિક વાહનો એકતાનગરના રેલવે સ્ટેશન પર ચાર્જ કરી શકશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે.હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસો આવી રહ્યા છે. ત્યારે પ્રવાસીઓની સુવિધા વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પાર્કમાં ફરવા માટે પણ  ઈલેક્ટ્રિક વાહનો મુકવામાં આવી રહ્યા છે. ક્લીન એન્ડ ગ્રીનનો કન્સેપ્ટ અપનાવવામાં આવી રહ્યો છે. હવે ખાનગી વાહનો માટે ઈલેક્ટ્રિક ચાર્જિંગની પણ સુવિધા ઊભી કરવામાં આવી રહી છે.