અમદાવાદમાં ઈ-વાહનો માટે પાંચ સ્થળો ઉપર બનશે ચાર્જીંગ સ્ટેશન
અમદાવાદઃ ગુજરાતમાં હવે લોકો ધીમે-ધીમે ઈ-વાહનના વપરાશ તરફ વળી રહ્યાં છે. હાલ અમદાવાદમાં બીઆરટીએસની ઈ-બસો દોડી રહી છે. તેમજ રાજ્યમાં આગામી દિવસોમાં એસટીની ઈ-બસો દોડતી થશે. દરમિયાન અમદાવાદમાં પાંચ સ્થળો ઉપર ઈ-વાહનોના ચાર્જીંગ સ્ટેશન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે કેન્દ્ર સરકારની એક કંપની સાથે એમઓયુ કર્યાં હોવાનું જાણવા મળે છે.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રદુષણ વધ્યું છે. કેન્દ્ર તથા વિવિધ રાજય સરકાર દ્વારા પ્રદુષણ ઘટાડવા માટે પગલા ભરવામાં આવી રહ્યાં છે. પ્રદુષણ ઘટે તે માટે ઈલેકટ્રીક વાહનનો વપરાશ વધે તેવુ સરકાર ઈચ્છી રહી છે. તેમજ કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ રાજ્ય સરકારોને ઈ-વાહનના વપરાશ માટે સહાય પણ કરવામાં આવી રહી છે. જેથી ઈ-વાહનનો વપરાશ વધે.
અમદાવાદ સહિત રાજયના કેટલાક શહેરોમાં ઈ-બસો દોડાવવામાં આવી રહી છે. દરમિયાન અમદાવાદમાં પાંચ સ્થળો ઉપર માર્ચ મહિના સુધીમાં ચાર્જીંગ સ્ટેશન શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરના નવરંગપુરા, કાંકરિયા, કાંકરિયા ગેટ-2, લાલ દરવાજા એએમટીએસ કચેરી, પ્રેમ દરવાજા ખાતે ઇલેક્ટ્રિક વાહનો માટેનાં ચાર્જિંગ સ્ટેશન બનશે.