Site icon Revoi.in

સુરતમાં ઈલેક્ટ્રિક બસોના ચાર્જિંગ સ્ટેશનો સોલાર બેઝ્ડ કરાશે

Social Share

સુરતઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વીજ વપરાશના 50 ટકા વીજળી રિન્યુએબલ સોર્સથી ઉત્પાદન કરવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. હાલ સુરત મ્યુનિ.એ  કુલ વીજ ખર્ચ પૈકી 28 ટકા વીજ ખર્ચ ઉપર રાહત હાંસલ કરી લીધી છે, ત્યારે હવે શહેરમાં દોડતી 600 E-બસના ચાર્જિંગ માટેની લોડ ડિમાન્ડને સોલાર પ્લાન્ટથી પૂર્ણ કરવાનું પ્લાનિગ કરવામાં આવ્યું છે.  BRTS બસ ચાર્જિંગ માટે પહેલું સોલાર પ્લાન્ટ GIZ (જર્મની)ના સહયોગથી અલથાણ બસ ડેપો પર સ્થાપાશે. આ પાયલોટ પ્રોજેક્ટનો તમામ ઇન્સ્ટોલેશન ખર્ચ પણ GIZ ‘સેવ એન્વાયરોન્મેન્ટ’ના સ્વભંડોળમાંથી કરાશે. જેથી એસએમસી પર એક પણ રૂપિયાનું આર્થિક ભારણ આવશે નહીં.

સુરત મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ભવિષ્યની વીજ જરૂરિયાતોને પહોંચી વળવા માટે રિન્યુએબલ સોર્સથી ઉત્પાદન કરવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યુ છે. મ્યુનિની  વિવિધ 95 જેટલી કચેરીઓ, સ્ટ્રીટ લાઇટ નેટવર્ક, ટર્શરી-સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પમ્પિંગ સ્ટેશન, વોટર વર્કસ, સ્વિમિંગ પુલ અને ઓડિટોરિયમ સહિતની બિલ્ડિંગોના વીજ બિલ પેટે વર્ષે 275 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. તેની સામે સુરત મ્યુનિ.કોર્પોરેશન એનર્જી ઍફિશિયન્સી સેલ દ્વારા વિન્ડ પાવર દ્વારા 39 મેગાવોટ, બનાસકાંઠામાં 10 મેગાવોટનો સોલાર પ્લાન્ટ અને વિવિધ પાલિકા કચેરીઓ પર રૂફ ટોપથી 9 મેગાવોટ મળી 58 મેગાવોટ એનર્જિનું ઉત્પાદન કરી રહી છે. જે કુલ વીજ ખર્ચના 28 ટકા જેટલું ઉત્પાદન હોવાથી વીજ સર્વિસમાં બચત થઇ રહી છે. જ્યારે સોલાર રૂફ ટોપ યોજના અંતર્ગત સુરત શહેરમાં 17,842 ઘરોની છત પર સોલાર પેનલો ગોઠવાઇ ગઇ છે. એક સમયે વીજ ગ્રાહકો હવે વીજ ઉત્પાદકો બનતાં રિન્યુએબલ એનર્જી મેળવવામાં સુરત પણ મક્કમ ગતિએ પ્રગતિ કરી રહ્યું છે.