બજારની બદલાયેલી પરિસ્થિતિઓ અને બમ્પર ઉપજને કારણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ડુંગળીની ખેતી કરનારા ખેડૂતોની આવક 42 અબજ રૂપિયા ઘટી ગઈ છે. કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલયના એક રિપોર્ટમાં આના સંદર્ભે ખુલાસો થયો છે. આ વર્ષે જાન્યુઆરી માસમાં કૃષિ બજાર ઉત્પાદન સમિતિ એટલે કે એએમપીસી દ્વારા લગભગ 13.22 લાખ ટન ડુંગળી 13760 રૂપિયા પ્રતિ ટનની કિંમતે વેચાઈ હતી. આવી રીતે ડિસેમ્બરમાં 13310 રૂપિયા પ્રતિ ટનના હિસાબથી કુલ 11.10 લાખ ટન ડુંગળીનું વેચાણ થયું હતું. રિપોર્ટ જણાવે છે કે આ 2017માં ખેડૂતોને મળેલી ડુંગળીની કિંમત કરતા 61 ટકા ઓછી કિંમત છે.
દેશમાં લગભગ એક તૃતિયાંશ ડુંગળીનું ઉત્પાદન કરનારા મહારાષ્ટ્રે કિંમતોમાં વધુ મોટો ઘટાડો જોયો છે. અહીં 5180 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની કિંમતથી ડુંગળી વેચાઈ જે ગત વર્ષના દરથી 80 ટકા ઓછી કિંમત છે. કિંમતોમાં આટલા મોટા ઘટાડાનું એક કારણ એ હોઈ શકે છે કે ગત પાંચ વર્ષના સરેરાશ ઉત્પાદનના મુકાબલે આ વર્ષે ડુંગળીની અંદાજીત ઉપજ 12.48 ટકા વધુ રહી છે. 201 લાખ ટન ડુંગળીના ઉત્પાદનનું અનુમાન હતું. પરંતુ આ વર્ષે આંકડો 236 લાખ ટન પર પહોંચવાની આશા છે.
રાજ્ય સરકારના કૃષિ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે ડુંગળી ત્રણ પ્રકારની હોય છે- ખરીફ, પિછૈતી ખરીફ અને ઉનાળું. જો કે પિછૈતી ખરીફ અને ખરીફ ડુંગળીની સરખામણીએ ગ્રીષ્મકાલિન ડુંગળી વધારે સમય ટકે છે. પરંતુ ખેડૂતોને પાક લણવાના બેથી ત્રણ સપ્તાહમાં કોઈપણ કિંમતે ડુંગળી વેચવી પડે છે. તેમણે કહ્યુ છેકે જો કે ગ્રીષ્મકાલિન ડુંગળીથી આ વખતે વધારે કિંમત મળવાની આશા છે, કારણ કે રાજ્યમાં દુકાળની સ્થિતિને કારણે પાક બરબાદ થવાનું જોખમ છે. ઓછી ઉપજને કારણે ખેડૂતોને સારી કિંમત મળી શકે છે.
મહારાષ્ટ્રમાં ડુંગળીનું મોટું ઉત્પાદન ક્ષેત્ર નાસિક છે. નાસિકના શેતકરી સંગઠનના નેતા ગિરિધર પાટીલે કહ્યુ છે કે જો કે ખેડૂતોના વચેટિયાઓને હાંસિયામાં રાખીને એપીએમસીની બહાર પણ ડુંગળી વેચવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ તે કાગળો પર જ મર્યાદીત થઈને રહી ગઈ છે, કારણ કે સરકાર ખેડૂતોને સુપરમાર્કેટ્સ, હોટલ્સ, કેટરર્સ અને અન્ય મોટા ખરીદદારો સાથે સાંકળનારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં નિષ્ફળ રહી છે.
પાટીલે કહ્યુ છે કે આના સિવાય અમારી આયાત-નિકાસ નીતિ પણ બદલાતી રહી છે. જો ઘરેલુ બજારમાં કિંમત થોડી પણ વધે છે, તો નિકાસમાં કાપ મૂકવાનો આદેશ આવી જાય છે અને ખેડૂતો ઊંચી કિંમત મેળવવાથી વંચિત રહી જાય છે. આવી સ્થિતિમાં ઘરેલુ બજારમાં કિંમત વધવાથી પાકિસ્તાનથી પણ ડુંગળી મંગાવવામાં આવે છે. પરંતુ જ્યારે ઘરેલુ બજારમાં કિંમતો બિલકુલ નીચે ચાલી જાય છે, તો આવી તત્પરતા દર્શાવવામાં આવતી નથી અને ત્યારે નિકાસનું પ્રમાણ વધારવામાં આવતું નથી.