રાજકોટઃ સસ્તા અનાજના વેપારીની દુકાને રાખવામાં આવેલા સર્વર છેલ્લા ચાર દિવસથી અત્યતં ધીમા ચાલતા હોવાથી એક કલાકમાં માંડ બે–ત્રણ ગ્રાહકોને માલ આપી શકાય છે. આ પરિસ્થિતિના કારણે અનેક સ્થળોએ વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે માથાકૂટ થઈ રહી છે. ધીમા ચાલતા સર્વરથી સસ્તા અનાજના દુકાનદારો પણ ત્રાસી ગયા છે. ફરિયાદ કરતા છતાં કોઈ સાંભળતું નથી. ખાસ કરીને છેલ્લા ચાર દિવસથી રાજકોટ ઉપરાંત જામનગર, જૂનાગઢ અને ગીર–સોમનાથ જિલ્લામાં સમસ્યા વધુ ઊબી થઈ છે.
સસ્તા અનાજના વેપારીઓના જણાવ્યા મુજબ થંમ્બ ઇમ્પ્રેશન લીધા વગર કોઈ ગ્રાહકને માલ આપવાનો થતો નથી પરંતુ જ્યારે ગ્રાહકના થમ્બ ઇમ્પ્રેશન માટે પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે આધાર વેરીફીકેશનની વેબસાઈટ ધીમે ચાલી રહી છે અને તેના કારણે વેરિફિકેશનની કામગીરી માંડ માંડ પૂરી થાય છે. વેપારીઓના જણાવ્યા મુજબ રાજકોટ જેવી પરિસ્થિતિ ગીર સોમનાથ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં હોવાનું બહાર આવી રહ્યું છે. રેશનકાર્ડ ધારકોને હજુ સુધી રેગ્યુલર વિતરણની અને તહેવારો માટે જાહેર કરાયેલી વધારાની ખાંડનો જથ્થો મળ્યો નથી. અન્ય ચીજ વસ્તુઓ મેળવવામાં પણ પરસેવો વળી જતો હોવાથી માથાકૂટની ઘટનાઓ વધી ગઈ છે. સસ્તા અનાજના દુકાનદારોએ સંબંધિત અધિકારીઓને પણ ફરિયાદ કરીને સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવા વિનંતી કરી હતી. પણ ગાંધીનગરથી જ સર્વર ડાઉન હોવાથી અમે કંઈ ન કરી શકીએ એવા જવાબો મળી રહ્યા છે.