ગાંધીનગર જિલ્લામાં માસ્ક વિના ફરતાં 5 હજાર નાગરિકો દંડાયા, રૂ 50 લાખનો દંડ વસુલાયો
ગાંધીનગરઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે ઘણા લોકો હજુપણ કોરોનાને ગંભીરતાથી લેતા નથી અને માસ્ક પહેર્યા વિના બિન્દાસ્તથી ફરી રહેલા જોવા મળે છે. છેલ્લાં 23 દિવસ દરમિયાન માસ્ક પહેર્યા વિના ફરતા 5000 જેટલા લોકોને ઝડપી લઇ ગાંધીનગર પોલીસ દ્વારા રૂ. 1000 લેખે કુલ 50 લાખનો દંડ ફટકારીને કડકાઇથી કામગીરી કરવામાં આવી હતી.
ગાંધીનગરમાં કોરોના વાયરસનું સંક્રમણ તેની પરાકાષ્ઠાએ પહોંચી જવા પામ્યું છે. તેમ છતા જિલ્લામાં ઘણા લોકો કોવિડનાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી બેફામ રીતે મનફાવે તેમ માસ્ક વિના ફરી રહ્યા છે. જેના પગલે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા કોરોનાની મહામારી વધુ વકરે નહીં અને વધુમાં વધુ લોકો માસ્ક વિના ઘરની બહાર નીકળે નહીં તે માટે તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને અસરકારક કામગીરી કરવા આદેશો આપી દેવામાં આવ્યા છે. જેના પગલે જિલ્લાના તમામ પોલીસ મથકના અધિકારીઓ તેમજ સ્ટાફના માણસો થકી જિલ્લામાં નાકાબંધી કરી માસ્ક વિના ફરતાં નાગરિકોને ઝડપી લેવા સઘન કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ દ્વારા કડક હાથે કામગીરીનો આરંભ કરી દઈ દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેનાં કારણે ઘણીવાર લોકો પોલીસ સાથે ઘર્ષણ કરીને પોલીસની કામગીરીમાં રૂકાવટ ઉભી કરતા હોવાના બનાવો પણ પોલીસ ચોપડે નોંધાવા પામ્યા હતા.
આ અંગે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં વધી રહેલા સંક્રમણના પગલે કોવિડ સંક્રમણ વધુ ન ફેલાય તેમજ સોશિયલ ડિસ્ટનસીનું કડક પાલન થાય તે જરૂરી બની ગયું છે. જેનાં કારણે લોકો કોવિડનાં નિયમોનું પાલન કરે તે અનિવાર્ય બની ગયું છે. ત્યારે પોલીસ પણ રાતદિવસ કામગીરી કરીને સંક્રમણ અટકાવવા માટે કામે લાગી ગઈ છે. એપ્રિલ મહિનામાં જિલ્લાના વિવિધ સ્થળોએ સઘન પેટ્રોલિંગ હાથ ધરી છેલ્લા 23 દિવસોમાં 5000 જેટલા લોકોને માસ્ક વિના ફરતાં ઝડપી લેવામાં આવ્યા છે. જેમની પાસેથી સરકારના આદેશ મુજબ રૂ.1000 લેખે 50 લાખ જેટલો દંડ ફટકારવમાં આવ્યો છે. હવે પરિસ્થિતિ અનુલક્ષીને પ્રજાએ જાગૃત થવાની ખૂબ જરૂર છે. કોરોના સંક્રમણ અટકાવવા દરેક નાગરિકે અચુકથી માસ્ક પહેરવાં માટે પોલીસ વડા મયુર ચાવડા દ્વારા અપીલ પણ કરવામાં આવી છે.