Site icon Revoi.in

અમદાવાદમાં ખાણીપીણીના સ્ટોલ-દુકાનો પર ચેકિંગ ઝૂંબેશ, શાહીબાગમાં પાંચ દુકાનો સીલ

Social Share

અમદાવાદઃ શહેરમાં ઉનાળાની સીઝન દરમિયાન રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. બહારનું વાસી ખાવા અને પીવાના કારણે રોગો થતાં હોય છે. જેને ધ્યાનમાં રાખી શહેરના મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી ખાણીપીણીના એકમોમાં ચેકિંગ કરવા માટે ફૂડ વિભાગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને મેલેરિયા વિભાગની સંયુક્ત ટીમ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં મધ્ય ઝોનના શાહીબાગ વોર્ડમાં ખાણીપીણી પદાર્થ અને પાણીના સેમ્પલો લેવામાં આવ્યા હતા. સેમ્પલ અનફિટ આવતા રાજસ્થાન હોસ્પિટલ પાસે આવેલા પ્રેમ મેવાડ આઈસ્ક્રીમ, હની બ્રેકફાસ્ટ, સિદ્ધિવિનાયક બિઝનેસ હબમાં આવેલા ઢોસાવાલા ગોપી રેસ્ટોરન્ટ અને શક્તિ સેન્ડવીચને સીલ કરવામાં આવ્યા હતા.

અમદાવાદ મ્યુનિના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના રાજસ્થાન હોસ્પિટલની સામે આવેલી પાંચ જેટલી દુકાનોના સેમ્પલ અનફિટ આવતાં હેલ્થ વિભાગ દ્વારા તેને સીલ મારવામાં આવી હતી. જોકે આ કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ અને ફુડ વિભાગ દ્વારા આખા શહેરમાં કરવી જોઈએ પરંતુ નિષ્ક્રિય અધિકારીઓના કારણે યોગ્ય કામગીરી થતી નથી. શહેરમાં અનેક જગ્યાએ રોગચાળાનું પ્રમાણ વધ્યું છે, ખાસ કરીને ખાણીપીણીના એકમો અને જ્યુસ, લીંબુ શરબત જેવું વેચાણ કરતા દુકાનોમાં ખાદ્ય વેચાણ થતું હોય છે, જેના કારણે લોકોને રોગચાળાનો સામનો કરવો પડે છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરના મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ દ્વારા ફૂડ ડિસ્ટ્રકશન ડ્રાઈવ યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેમાં હેલ્થ અને ફૂડ વિભાગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને મેલેરિયા વિભાગની સંયુક્ત ટીમ જોડાઈ હતી. આ ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં શાહીબાગ વોર્ડમાં ખાણીપીણીના એકમોમાં તપાસ કરવામાં આવી હતી. ડ્રાઈવ દરમ્યાન કુલ 58 જેટલી દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. 12 દુકાનોને નોટિસ આપવામાં આવી. જ્યારે 31 પાણીના અને 2 ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા હતા. 33 કિલો અને 30 લિટર અખાદ્ય જથ્થો નાશ કર્યો હતો.17 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.34500નો વહીવટી ચાર્જ વસુલ્યો હતો. આ ડ્રાઈવ દરમિયાન લેવાયેલા 31 પાણીના નમૂનામાં 5 જેટલા નમૂના અનફિટ આવતા આજે પાંચ દુકાનો સીલ કરવામાં આવી હતી.