રાજકોટઃ રાજ્યમાં એક સમયે એસટી બસમાં પ્રવાસીઓમાં સરેરાશ ઘટાડો થયા બાદ હવે પ્રવાસીઓની સંખ્યામાં સારોએવો વધરો થતાં એસટી નિગમની આવકમાં પણ વધારો થયો છે. એસટી બસમાં પ્રવાસીઓને સારીએવી સુવિધા મળી રહે તે માટે નિયમોનું યાગ્યરીતે પાલન થાય છે કેમ, તેમજ ટિકિટ વિના મુસાફરી કરતા પ્રવાસીઓને પકડવા માટે રાજકોટ ડિવિઝન દ્વારા ચેકિંગ ઝૂંબેશ હાથ ઙરવામાં આવી હતી. જેમાં હાઇ વે પરની હોટેલમાં હોલ્ટ, બસમાં આગળ-પાછળ રૂટ બોર્ડ ન હોય, બસ વહેલા-મોડી હોય, ડ્રાઇવર-કંડકટરે યુનિફોર્મ પહેર્યો ન હોય તે સહિત કુલ 85 કેસ કરવામાં આવ્યા હતા.
ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી ડિવિઝનની લાઇન ચેકીંગ સ્ક્વોડ દ્વારા તાજેતરમાં વિવિધ ડિવિઝન-ડેપોની 1668 બસોમાં ચેકીંગ કરીને ગેરશિસ્ત અને નિયમ ભંગ સહિતના 85 કેસ કરીને નિયમ મુજબના દંડની વસુલાત કરી હતી. સૌથી આશ્ચર્યજનક બાબત એ રહી કે સમગ્ર ચેકિંગમાં એક પણ કંડકટર આર્થિક ઉચાપત કરતા ઝડપાયો ન હતો.
રાજકોટ એસટી ડિવિઝન કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ ચેકીંગ દરમિયાન છ મુસાફરો ટિકિટ લીધા વિના મુસાફરી કરતા મળી આવ્યા હતા જે ટિકિટની કુલ રકમ રૂ.199 થતી હતી આથી તેવા મુસાફરો પાસેથી ટિકિટની મૂળ રકમ રૂ.199 ઉપરાંત દસ ગણા દંડના રૂ.1990 સહિત કુલ રૂ.2199ની વસુલાત કરાઇ હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે ઉપરોક્ત મુજબ ટિકિટ વિના ઝડપાયેલા મુસાફરો સામેના છ કેસ ઉપરાંત હાઇવે પરની હોટેલમાં ગેરકાનુની હોલ્ટ, બસમાં આગળ-પાછળ રૂટ બોર્ડ ન હોય, બસ વહેલા-મોડી હોય, ડ્રાઇવર-કંડકટરે યુનિફોર્મ પહેર્યો ન હોય, બસમાં અસ્વચ્છતા હોય, મંજુર થયેલ સ્ટોપ પર બસ ઉભી ન રાખી હોય તે સહિતના વિવિધ પ્રકારના 79 કેસ મળી કુલ 85 કેસ કરાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે મુસાફર હાથ ઉંચો કરે છતાં બસ ઉભી ન રહે, ચાલુ બસે ડ્રાઇવર મોબાઇલ ફોન પર વાતો કરતો હોય, કન્ડક્ટર ટિકિટના છુટા પૈસા પરત ન આપે તેવા કિસ્સામાં પણ મુસાફરો વિભાગીય નિયામક તેમજ ડેપો મેનેજરને ફરિયાદ કરી શકે છે.