- ગરબામાં ફુડ સ્ટોલ માટે લાયસન્સ ફરજિયાત,
- અનહાઈજેનિક ફુડ મળશે તો કડક પગલાં લેવાશે,
- ફુડ સ્ટોલમાં સ્વચ્છતા જાળવવી પડશે
અમદાવાદઃ નવરાત્રી પર્વના આગમનને હવે બે દિવસ બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદ શહેરમાં પોળ, સોસાયટીઓ, પાર્ટી પ્લોટ્સ અને કલબોમાં નવરાત્રીની ધૂમ તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વહેલી સવાર સુધી ગરબાની તેમજ ખાણીપીણીની દુકાનો ખૂલી રાખવાની જાહેરાત કરી છે. ત્યારે ખાણીપીણીના વેપારીઓ પણ આ વખતે સારી કમાણી થશે એવી આશા રાખીને તૈયારીઓ કરવા લાગ્યા છે. દરમિયાન મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ અને ફુડ વિભાગ દ્વારા નવરાત્રીના રાતના સમયે વિવિધ વિસ્તારોમાં ખાણીપીણીની દુકાનો, લારી-ગલ્લાઓમાં સઘન ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ફુડ વિભાગના સૂત્રોના જમાવ્યા મુજબ શહેરમાં પાર્ટી પ્લોટ અને ગ્રાઉન્ડમાં યોજાતા ગરબામાં ફૂડ સ્ટોલ ચાલુ કરવા માટે ફરજિયાત લાઇસન્સ લેવું જરૂરી છે. જે પણ ફૂડ સ્ટોલધારક દ્વારા પોતાનો ફૂડ સ્ટોલ ઉભો કરવામાં આવ્યો હોય તેણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આપવામાં આવતું ફૂડ લાઇસન્સ લેવું પડશે. જો ફૂડ લાઇસન્સ નહીં હોય તો મ્યુનિના ફૂડ વિભાગ દ્વારા સ્ટોલ બંધ કરાવી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દરેક પાર્ટી પ્લોટ અને ગરબામાં ઉભા કરવામાં આવેલા ફૂડ સ્ટોલમાં ટીમ દ્વારા ચેકિંગ પણ કરવામાં આવશે. જો અનહાઇજનિક અથવા બિન આરોગ્યપ્રદ જણાશે તો તાત્કાલિક ધોરણે બંધ કરાવી દેવાશે.
AMCના ફૂડ વિભાગના વડા ડો. ભાવિન જોશીએ જણાવ્યું હતું કે, નવરાત્રિ દરમિયાન અનેક પાર્ટી પ્લોટ, ગ્રાઉન્ડ સહિત વિવિધ જગ્યાએ ફૂડ સ્ટોલ ધરાવનારા વ્યક્તિએ લાઇસન્સ લેવું ફરજિયાત છે. એક પાર્ટી પ્લોટ કે ગ્રાઉન્ડમાં જો અલગ અલગ ફૂડ સ્ટોલધારકો હશે, તો તમામે અલગ અલગ લાઇસન્સ લેવાનું રહેશે. ભારત સરકારની FSSAIની વેબસાઈટ ઉપરથી રજિસ્ટ્રેશન કરી લાઇસન્સ મેળવવા માટે અરજી કરવાની રહેશે જે અરજી AMC ફૂડ વિભાગ પાસે મળતાની સાથે જ તે સ્થળ ઉપર ચેકિંગ કરી અને લાઇસન્સ આપવામાં આવશે. જો કોઈપણ સ્થળે ફૂડ સ્ટોલધારક દ્વારા લાઇસન્સ નહીં લેવામાં આવ્યું હોય તો તેને બંધ કરાવવાની અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ફૂડ સેફ્ટી એક્ટ મુજબ તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે. આરોગ્ય બાબતે સ્વચ્છતા અને હાઈજેનિક ફૂડ જ આપવાનું રહેશે જો ક્યાંય પણ ફરિયાદ મળશે તો તાત્કાલિક ધોરણે કાર્યવાહી થશે.