ઔદ્યોગિક એકમોમાં પ્રદુષણ અંગેનું ચેકિંગ તેના માલિકની હાજરીમાં PCBના અધિકારીઓ કરી શકશે
ગાંધીનગરઃ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (PCB) ભષ્ટ્રાચારનો અડ્ડો બની ગયાની ફરિયાદો ઊઠ્યા બાદ સરકારે લાલા આંખ કરીને હવે કૌભાંડોને અંકુશમાં લેવા માટે નવી પદ્ધતિ અપનાવવામાં આવી છે. જેમાં ઔદ્યોગિક એકમના પ્રતિનિધિઓની હાજરીમાં જ સ્થળ તપાસ અને તેના નિરીક્ષણની નોંધ તૈયાર કરવામાં આવશે. સાથે સાથે ઔદ્યોગિક એકમોના નિરીક્ષણ(તપાસ) વેળાએ ઔદ્યોગિક એકમના પ્રતિનિધિ તરફથી મળતી રજુઆતોને પણ રેકોર્ડ ઉપર લેવાના આદેશ કરાયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં ચાલતા કૌભાંડો અને વ્યાપક ભ્રષ્ટાચારના કારણે છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકારનું પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ચર્ચામાં રહ્યું છે. જેના કારણે ખુદ સરકારને નીચા જોવા જેવો ઘાટ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ઔદ્યોગિક એકમો વચ્ચે ચાલતા વહીવટોના વ્યાપક ગેરરીતિઓના કિસ્સા ઉજાગર થતા હવે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની વડી કચેરી દ્વારા એક ખાસ ફોર્મેટ જાહેર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સભ્ય સચિવની સહીથી જાહેર થયેલા આદેશમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, જીપીસીબીના અધિકારીઓ કોઈ પણ ઔદ્યોગિક એકમોની સ્થળ તપાસ કે તેના નિરીક્ષણ માટે જાય તો એકમના પ્રતિનિધિની ઉપસ્થિતિમાં જ નિરીક્ષણ નોંધ તૈયાર કરવા જણાવાયુ છે. આ ઉપરાંત ખાસ બનાવાયેલા ફોર્મેટમાં એકમના પ્રતિનિધિની રજુઆતોને પણ ફરજિયાત રેકોર્ડ ઉપર લેવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઉદ્યોગ એકમોમાં પર્યાવરણને લગતા નિયમો અને તેના કાયદાઓ સંદર્ભે ગંભીર ક્ષતિઓ જોવા મળતી હોય છે. ત્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આવા એકમોના પ્રતિનિધિને સૂચનાઓ સાથે નોટિસ આપવાની પ્રક્રિયા કરવામાં આવતી હતી. પરંતુ હવેથી નિરીક્ષણ સમયે સામે આવેલી ક્ષતિઓ અને ત્રુટીઓ બાબતે એકમના પ્રતિનિધિને સ્થળ ઉપર રજૂઆત કે તેનો જવાબ પૂરો પાડવાની તક આપવામાં આવશે. એટલું જ નહીં જે એકમની મુલાકાત જીપીસીબીના અધિકારી એ લીધી હોય ત્યારે તેના પ્રતિનિધિઓની રજુઆતો નોંધ્યા બાદ તેમની સહમતી કે અસહમતી જાણીને એકમના પ્રતિનિધિની ફોર્મેટમાં સહી લેવાની રહેશે. જોકે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આ નિર્ણયથી પર્યાવરણના નામે થતી એક તરફી કાર્યવાહીમાં આંશિક અંકુશ આવશે તેમ મનાઈ રહ્યું છે.