ભુજઃ અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય ચક્રવાતને પગલે પ્રણાલીગત રીતે દુકાળિયા મુલક તરીકે પંકાયેલા કચ્છ જિલ્લામાં એક જ દિવસમાં ભારે વરસાદ ખાબકતાં સમગ્ર જિલ્લામાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતુ. અનેક વિસ્તારો હજુ પણ સંપર્કવિહોણા બન્યા હતા, હજુપણ વીજપુરવઠો ખોરવાયેલો છે જેના કારણે લોકોના હાલ બેહાલ થયેલા છે, ત્યારે મોટાભાગના કચ્છમાં શનિવારે મેઘરાજાએ વિરામ લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. અને વાવાઝોડા બાદ હવે જનજીવન પણ પૂર્વવત બની રહ્યું છે.
બિપોરજોયના કારણે થયેલા અતિ વરસાદને પગલે જિલ્લાની માધ્યમ કક્ષાની યોજનાના લખપત તાલુકાના ગોધાતડ, સંઘરો, નરા, ગજળપર, અબડાસાના કનકાવતી, જંગડિયા, બેરાચીયા અને મીઠી તેમજ નખત્રાણા તાલુકાના મથલ અને રાપર તાલુકાના સૂવઈ ડેમોમાં નોંધપાત્ર પાણી આવ્યાં છે. આ ઉપરાંત નાની સિંચાઇના 170 જેટલા ડેમોના તળિયાં દેખાવા બંધ થયાં છે. ભુજમાં શનિવારથી વરસાદ બંધ થઇ ગયા બાદ સૂર્યનારાયણના દર્શન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.શનિવારે વહેલી સવારે દૂધની દુકાનો પર લોકોની લાંબી કતારો લાગી હતી. સતત ત્રણ દિવસથી અંધારપટ્ટનો સામનો કરી રહેલા લોકોએ મોબાઈલની દુકાનોમાં પાવર બેંકની ખરીદી માટે રીતસર દોટ લગાવી હતી. દરમિયાન વહીવટીતંત્રએ મોટાભાગના રસ્તાઓ પરથી ઉખડી ગયેલા વૃક્ષોને હટાવી દીધા છે અને ભુજ અને માંડવી જેવા શહેરો અને ઘણા ગામોમાં વીજળી પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહ્યું છે. વીજળી પુનઃસ્થાપિત કરવા માટે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ અને પોરબંદર જિલ્લામાં 1,127 ટીમો કામ કરી રહી છે. વન વિભાગની ટીમોએ રસ્તા પર પડી ગયેલા 581 વૃક્ષો દૂર કર્યા હતા એવું સરકારી યાદીમાં જણાવ્યું હતું. .
હવામાન વિભાગે રવિવાર સવાર સુધી બનાસકાંઠા તેમજ પાટણ, મહેસાણા અને કચ્છમાં અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદની સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ગાંધીનગર અને અમદાવાદ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની પણ ચેતવણી આપી છે.