Site icon Revoi.in

કેમિકલ અને પેટ્રોકેમિકલ સેક્ટર, સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથનું ‘કી-ફેક્ટર’: મુખ્યમંત્રી

Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ સેક્ટરને સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ માટેનું ‘કી-ફેક્ટર’ ગણાવતા દેશના અમૃતકાળમાં ભારતને વિશ્વની ત્રીજી મોટી આર્થિક તાકાત બનાવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ મહત્વના ઇન્સ્ટ્રુમેન્ટ છે તેવો ઉલ્લેખ કર્યો હતો.

મુખ્યમંત્રીએ સેક્ટર સ્પેસિફિક પોલીસીસ અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના એપ્રોચ દ્વારા આ વિકાસને નવી ઊંચાઈએ લઈ જવાનો નિર્ધાર દર્શાવ્યો હતો.

ASSOCHAM દ્વારા અમદાવાદ ખાતે આયોજિત ગુજરાત કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ કોન્કલેવ-2024નો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વિકસિત ભારત@2047 ના નિર્માણમાં કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ સેક્ટરના યોગદાનની તકોનું સર્જન અને મહત્વપૂર્ણ વિચાર મંથન આ કોન્કલેવમાં થશે.

મુખ્યમંત્રીએ કેમિકલ વેસ્ટનો સંપૂર્ણ નાશ વૈજ્ઞાનિક પદ્ધતિથી થાય તે અંગેનો પરામર્શ અને સામુહિક ચિંતન-મંથન આ કોન્ક્લેવમાં થાય તેની આવશ્યકતા સમજાવી હતી. કેમિકલ વેસ્ટ જ્યાં ત્યાં ન છોડતા પર્યાવરણની જાળવણી સાથે દરેક ઉદ્યોગ આગળ વધે તે જરૂરી છે તેમ તેમણે જણાવ્યુ હતુ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ મેઈક ઈન ઈન્ડિયાથી મેઈડ ઈન ઈન્ડિયા દ્વારા દરેક સેક્ટરમાં ગ્લોબલી આગળ વધવાનો નિર્ધાર કર્યો છે. આપણા ઉદ્યોગ રોજગાર વિકસે અને ‘નેટ ઝીરો કાર્બન કન્ટ્રી’નું લક્ષ્ય સિદ્ધ થાય તે રીતે આગળ વધવું છે.

ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ જેવી સમસ્યાઓનો સામનો કરવા માટે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ‘મિશન લાઈફ’ જેવા ઉમદા ખ્યાલ આપણને આપ્યા છે. ગ્રીન કવરેજ વધારવા માટે ‘એક પેડ માં કે નામ’ અભિયાન પણ વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવ્યું છે, તેની ભૂમિકા પણ મુખ્યમંત્રીએ આપી હતી.

તેમણે જણાવ્યું કે, પર્યાવરણ જાળવણીના પ્રયાસોમાં રાજ્ય સરકાર ઉદ્યોગોની પડખે જરૂર જણાયે ઊભી રહેશે. દેશની આઝાદીનો અમૃતકાળ ભારતના વિકાસનો સુવર્ણકાળ છે. વડાપ્રધાનની વિઝનરી લીડરશીપમાં ભારતને ગ્લોબલ ડેસ્ટીનેશન બનાવવાનો સમય છે તેનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ આ સુવર્ણકાળમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રના વિકાસ દ્વારા વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણ માટે સૌને સાથે મળીને કટિબદ્ધ થવાનું આહવાન કર્યું હતું.

રાજ્યના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્ય મંત્રી  જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, આજે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત દુનિયાની ત્રીજી આર્થિક મહાસત્તા બનવા તરફ અગ્રેસર છે. એક સમયે આપણે યુરોપ-અમેરિકા તરફ નજર રાખવી પડતી હતી, પરંતુ આજે સમગ્ર વિશ્વની નજર ભારત પર છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ટેક્સટાઇલ, પેટ્રોકેમિકલ, ડાયમંડ, ઇન્ડસ્ટ્રિયલ, ઓટોમોબાઈલ-દરેક ક્ષેત્રમાં સાર્વત્રિક વિકાસ થયો છે.

મુખ્યમંત્રીએ આ પ્રસંગે ‘કેમ એનાલિસ્ટ’ દ્વારા પ્રકાશિત પુસ્તિકાનું વિમોચન પણ કર્યું હતું.

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આ કોન્કલેવ દરમિયાન ગુજરાત સરકાર અને રાજ્યના અગ્રણી રસાયણ ઉદ્યોગગૃહ લક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝ અને કિરી ઇન્ડસ્ટ્રીઝ સાથે કુલ રૂ. 5210 કરોડના બે MOU સંપન્ન થયા હતા.  કિરી ઇન્ડસ્ટ્રીઝે રૂ. 4500 કરોડના અને લક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝે રૂ. 710 કરોડના ઇન્ટેન્શન્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ આ એમઓયુમાં દાખવ્યા છે. ‘બિલ્ડિંગ અ સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રી ફોર અ વિકસિત ભારત@૨૦૪૭’ વિષય પર આયોજિત આ એક દિવસીય કાર્યક્રમમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રના વિકાસ અને નિકાસ માટે રહેલી વૈશ્વિક સંભાવનાઓ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન તેમજ ટકાઉ વિકાસ સહિતના વિવિધ વિષયો પર તજ્જ્ઞો દ્વારા ગહન ચર્ચાઓ કરવામાં આવી હતી.