Site icon Revoi.in

ચેન્નાઈઃ DRI એ સોનાની દાણચોરી કરતા બે શખ્સોની કરી ધરપકડ, 14.43 કરોડનું સોનુ જપ્ત કર્યું

Social Share

બેંગ્લોરઃ ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી રૂ. 14.43 કરોડની કિંમતનું 23.34 કિલો દાણચોરી કરાયેલું વિદેશી સોનું જપ્ત કર્યું હતું. અને, આમ દેશમાં વિદેશી સોનાની દાણચોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. ડીઆરઆઈની ટીમે બે આરોપીઓને ઝડપી લઈને તેમની આગવી ઢબે પૂછપછર કરી હતી. તેમજ આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ ઝડપી લેવા તપાસ આરંભી હતી.

ડીઆરઆઈના અધિકારીઓને બાતમી મળી હતી કે દુબઈથી કોલંબો થઈને ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરેલા એક મુસાફર દાણચોરી કરાયેલા સોનાનો જંગી જથ્થો લઈને ચેન્નાઈમાં પોતાના નિવાસસ્થાને જઈ રહ્યો હતો.આ માહિતીના આધારે, મુસાફર જ્યારે તેના નિવાસસ્થાન નજીક ઓટો રિક્ષામાંથી ઉતરી રહ્યો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે તેની તપાસ કરવામાં આવી ત્યારે, તેના ઘૂંટણની આસપાસ વીંટાળેલા વિવિધ કેપ્સમાં અને તેના પેન્ટમાં ખાસ બનાવેલા પાઉચમાં છુપાયેલ પ્રવાહી (પેસ્ટ)ના રૂપમાં સોનું મળી આવ્યું હતું. તેમાંથી 8.28 કરોડની કિંમતનું કુલ 13.28 કિલો સોનું મળી આવ્યું હતું, જે જપ્ત કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ડીઆરઆઈ અધિકારીઓએ કોલંબોથી ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક શ્રીલંકાના નાગરિકને અટકાવ્યો હતો. મુસાફરના હાથના સામાનની તપાસ કરતાં, ચોકલેટના આઠ પેકેટમાં જાડા પ્રવાહીના રૂપમાં સોનું સંતાડેલું હોવાનું જણાયું હતું. આ જાડા પ્રવાહીને ઓગાળીને 10.06 કિલો સોનું કાઢવામાં આવ્યું હતું, જેની કિંમત 6.15 કરોડ રૂપિયા છે. આ બંને આરોપીઓની ધરપકડ કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીએ ઉંડાણપૂર્વકની તપાસ આરંભી છે.