ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ આજે IPL 2023ની ફાઇનલમાં ટકરાશે
અમદાવાદ:IPL 2023 ની ફાઈનલ મેચમાં આજે પાંચ વખતની વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ ટકરાશે. આ ફાઈનલ મેચ 28 મે (રવિવાર)ના રોજ જ રમાવાની હતી, પરંતુ વરસાદે તમામ મજા બગાડી નાખી અને મેચ રિઝર્વ ડેમાં ગઈ. હવે ચાહકો આશા રાખશે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી મેચ કોઈપણ અવરોધ વિના પૂર્ણ થાય.
IPLના 15 વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે કોઈ ફાઈનલ મેચ રિઝર્વ-ડેમાં ગઈ હોય. આઈપીએલની છેલ્લી 15 સિઝનમાં રમાયેલી ફાઈનલ મેચો નિર્ધારિત દિવસે જ પૂર્ણ થઈ હતી અને તે તમામ મેચોમાં વરસાદ કે અન્ય કારણોસર કોઈ અડચણ આવી ન હતી.આજે, રિઝર્વ-ડેમાં આ અંતિમ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસનો સમય સાંજે 7 વાગ્યે રહેશે. જો રિઝર્વ-ડેમાં એક પણ બોલ ફેંકવામાં નહીં આવે, તો ગુજરાત ટાઇટન્સની ટીમ ચેમ્પિયન બની જશે કારણ કે તે પોઇન્ટ ટેબલમાં ટોચ પર છે.
ગુજરાત ટાઇટન્સે ક્વોલિફાયર-2 મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 62 રનથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તે જ સમયે, CSKએ ક્વોલિફાયર-1માં ગુજરાત ટાઇટન્સને 15 રનથી હરાવીને ટાઇટલ મેચમાં પ્રવેશ કર્યો હતો. ફાઈનલ મેચમાં તમામની નજર એમએસ ધોનીના સુકાની CSK પર રહેશે. ટૂંક સમયમાં 42 વર્ષનો થવા જઈ રહેલો ધોની કદાચ છેલ્લી વખત પીળી જર્સીમાં જોવા મળશે. ધોનીએ ક્વોલિફાયર-1 પછી કહ્યું હતું કે તે આગામી આઈપીએલ સીઝન વિશે અત્યારે કંઈ કહી શકે નહીં કારણ કે તેના વિશે વિચારવા માટે 8-9 મહિના બાકી છે.