અમદાવાદઃ ગુજરાતમાં આવતી કાલે 5મી જુનના રોજ વિશ્વ પર્યાવરણ દિન મનાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દેશભરમાં ‘મિષ્ટી’ (મેન્ગ્રુવ ઇનિશિયેટિવ ફોર સોરલાઇન હેબિટેટ્સ એન્ડ ટેન્જિબલ ઇન્કમ્સ) પ્રોજેક્ટનો પ્રારંભ કરાશે, ત્યારે અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના કાદીપુર-ખૂણ ગામમાં પણ જન ભાગીદારીથી ચેરના વાવેતર થકી પર્યાવરણ દિવસની જિલ્લા કક્ષાની ઊજવણી કરવામાં આવશે. આ ‘મિસ્ટી’ પ્રોજેક્ટ પાછળનો હેતુ મેન્ગ્રુવ (ચેર) રોપા અંગે જાગૃતિ લાવીને તેને આખા દેશના મેન્ગ્રુવ પોટેન્શિયલ વિસ્તારમાં રોપણી કરાવીને સમૃદ્ધ તટીય વિસ્તારોને રક્ષણ પૂરું પાડવાનું છે. આ પ્રોજેક્ટના પ્રારંભ સાથે સમગ્ર ભારત દેશમાં ચેર વાવેતરનું મિશન મોડમાં વાવેતર શરૂ થશે.
અમદાવાદના નાયબ વન સંરક્ષણ, સામાજિક વનીકરણ વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકામાં વર્ષ 2012-2013 થી ચેર વાવેતર શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં અંદાજિત 7,000 હેક્ટરમાં ચેર વાવેતરની કામગીરી કરી દેવામાં આવી છે. સૌથી અગત્યની બાબત એ છે કે, ચેર વાવેતર ક્ષારયુક્ત પવનોને રોકે છે અને દરિયાને આગળ વધતો અટકાવવાની કામગીરી કરે છે. એટલું જ નહીં, વાવાઝોડા અને સુનામીની સામે રક્ષણ પણ આપે છે. ચેરના છોડ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી ઓક્સિજન પૂરો પાડવાની કામગીરી પણ કરે છે, જેથી પર્યાવરણની સમતુલા જળવાઇ રહે છે. અમદાવાદના ધોલેરા તાલુકાના દરિયા કિનારે એવિશિનિયા મરિના નામની ચેર પ્રજાતિ જોવા મળે છે, જેનું ખૂબ જ સારું પરિણામ જોવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દરિયાકિનારાના પ્રદેશોમાં પર્યાવરણ સંરક્ષણ માટે ચેર ખૂબ જ મહત્ત્વનું હોવાથી કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા ‘મિષ્ટી’ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના ‘મિષ્ટી’ કાર્યક્રમ અંતર્ગત પાંચ વર્ષમાં (વર્ષ 2023થી વર્ષ 2028) સુધી નવ દરિયાકાંઠાના રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોમાં આશરે 540 ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લેવાશે.