નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી હિન્દુ સાધુ-સંતો ઉપર હુમલાના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન છત્તીસગઢમાં ત્રણ સાધુઓ ઉપર બાળક ચોરીની આશંકાએ ટોળાએ હુમલો કર્યાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો છત્તીસગઝઢના દુર્ગ જિલ્લાનો હોવાનું સામે આવ્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં બાળકોની ચોરીની શંકામાં ટોળાએ સાધુઓને માર માર્યો હતો. લોકોએ સાધુઓને લાતો, મુક્કા અને લાકડીઓથી એટલી હદે માર્યા કે એક સાધુનું માથું ફાટી ગયું. તે જ સમયે, 2 વધુ સાધુઓ પણ ખરાબ રીતે ઘાયલ થયા છે. મામલો ભિલાઈ-03 પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.
પોલીસનું કહેવું છે કે, દારૂના નશામાં તેમને બિનજરૂરી રીતે માર મારવામાં આવ્યો છે. આ ત્રણ સાધુ રાજસ્થાનના અલવરના રહેવાસી છે. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ મનીષ શર્માએ જણાવ્યું કે, આ ઘટના બુધવારે સવારે 11-12 વાગ્યાની વચ્ચે બની હતી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ મામલો સામે આવી શક્યો નથી. પોલીસે ગુનો પણ નોંધ્યો ન હતો. ગુરુવારે જ્યારે આ મારપીટનો વીડિયો વાયરલ થયો હતો, ત્યારે સમગ્ર ઘટનાની માહિતી સામે આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ચરોડા વિસ્તારમાં ક્યાંકથી ત્રણ સાધુઓ આવી રહ્યા હતા. તે જ સમયે કોઈએ બૂમો પાડવાનું શરૂ કર્યું કે, આ સાધુઓ બાળકોની ચોરી કરે છે. આ પછી કેટલાક યુવકોએ તે સાધુઓને મારવાનું શરૂ કર્યું હતું. ધીમે ધીમે લોકોનું ટોળું ત્યાં એકઠું થયું. એકસાથે દોડતા અનેક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા અને સાધુઓને માર માર્યો હતો.